Connect Gujarat
ગુજરાત

"કાશ્મીર To દિલ્હી" PM મોદીએ કહ્યું કાશ્મીરમાં વહેલી થશે વિધાનસભા ચૂંટણી, સાથેજ મહેબુબાએ કહ્યું...!

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી વાર જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી

X

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી વાર જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. સાડા ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચાઓ થઈ છે.

કલમ 370 નાબૂદ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કશ્મીરના તમામ પક્ષના નેતાઓ સાથે પ્રથમ અને અહેમ બેઠક હતી. આ બેઠકમાં તમામ નેતાઓએ પોતાની વાતો રજૂ કરી અને આગામી વિધાનસભાની ચૂંટણી સહિતના અનેક વિષયો પર ચર્ચા થઈ હતી. બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ..? કયા કયા નેતાઓ બેઠકમાં જોડાયા હતા અને શું છે કાશ્મીરનું રાજકણ અને પાકિસ્તાનની દખલગીરી.. ચાલો તો આ બધા પર વિસ્તારથી નજર કરીએ.....

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના વિવિધ પક્ષોના 14 પસંદ કરેલા નેતાઓ સાથે ચર્ચા કરી હતી. બપોરે 3 વાગ્યે શરૂ થયેલી આ બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું કે તેઓ 'દિલ્હી કી દૂરી' અને 'દિલ કી દૂરી' નાબૂદ કરવા માગે છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી પ્રક્રિયા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વડા પ્રધાને કહ્યું કે સીમાંકન પ્રક્રિયા બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ લેવી પ્રાથમિકતામાં છે. વધુમાં પીએમએ કહ્યું કે, રાજકીય મતભેદો હોઈ શકે છે પરંતુ આપણે બધાએ રાષ્ટ્રીય હિતમાં કામ કરવું જોઈએ જેથી જમ્મુ-કાશ્મીરના લોકોને ફાયદો થાય. વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સૌની સલામતી અને સુખાકારીની ખાતરી કરવાની જરૂર છે.

આ બેઠકમાં જે મહત્ત્વની વાત બહાર આવી છે તે છે કે પહેલા સીમાંકન જમ્મુ-કાશ્મીરમાં કરવામાં આવશે, ત્યારબાદ ચૂંટણીઓ યોજાશે અને તે પછી તેનો સંપૂર્ણ રાજ્યત્વ આપવામાં આવશે. ગૃહમંત્રીએ બેઠકમાં હાજર જમ્મુ-કાશ્મીરના નેતાઓને ખાતરી આપી હતી કે તમામ રાજકીય પક્ષો સીમાંકન પ્રક્રિયામાં ભાગ લેશે. સીમાંકન એટલે સીમાઓનું નિર્ધારણ એટલે કે રાજ્યની વિધાનસભા અથવા લોકસભા મત વિસ્તારની સીમાઓ નક્કી કરવી. બંધારણના આર્ટિકલ 82 મુજબ સરકાર દર-દસ વર્ષે સીમાંકન પંચની રચના કરી શકે છે અને વસ્તીના આધારે નવી વિધાનસભા અથવા લોકસભા બેઠકોની મર્યાદા નક્કી કરી શકે છે અને કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં પહેલા આ કરવા માંગે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠક બાદ ટિ્‌વટ કર્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં વહેલી તકે સીમાંકનનું કામ પૂર્ણ થવું જોઈએ અને સીમાંકન પછી ચૂંટણીઓ યોજવી જોઇએ જેથી રાજ્યને ચૂંટાયેલી સરકાર મળે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને જમ્મુ-કાશ્મીરના 8 પક્ષોના 14 નેતાઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. જોકે કલમ 370ને લઈને ઘણા કાશ્મીરી નેતાઓ નારાજ છે ત્યારે એવું બેઠક પહેલા માનવામાં આવી રહ્યું હતું કે આ બેઠકમાં આ મુદ્દે ચર્ચા થશે પરંતુ આર્ટીકલ 370 વિષે બેઠકમાં ચર્ચા થઈ નહીં.

બેઠકમાં 8 પક્ષોના 14 નેતાઓને આમંત્રણ અપાયું હતું. આ નેતાઓમાં નેશનલ કોન્ફરન્સના પિતૃપ્રધાન ફારુક અબ્દુલ્લા, તેમના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ના પ્રમુખ મહેબૂબા મુફ્તી અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુલામ નબી આઝાદ છે. ભાજપ વતી, જમ્મુ-કાશ્મીર એકમના અધ્યક્ષ રવિન્દ્ર રૈના, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કવિન્દર ગુપ્તા અને નિર્મલ સિંહે પણ બેઠકમાં ભાગ લીધો હતો. વડા પ્રધાન સાથેની આ મહત્વપૂર્ણ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ, વડા પ્રધાનના આચાર્ય સલાહકાર પી કે મિશ્રા અને ગૃહ સચિવ અજય ભલ્લા પણ હાજર રહ્યા હતા

બેઠક પહેલા એવી અટકળો વહેતી થઈ હતી કે ગુપ્કર સાથે સંકળાયેલા નેતાઓ કલમ 37૦ હેઠળ રાજ્યને અપાયેલા વિશેષ દરજ્જાને નાબૂદ કરવાનો મુદ્દો ઉભા કરી શકે છે. પરંતુ બેઠકમાં આ મુદ્દો સામે આવ્યો ન હતો. ગુલામ નબી આઝાદે કહ્યું કે મીટિંગમાં સામેલ મોટાભાગના લોકોએ કહ્યું કે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, તેથી આ અંગે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી.

જમ્મુ કશ્મીર દેશની આઝાદી પછી સતત વિવાદોમાં રહ્યું છે. બેઠકમાં વડાપ્રધાને તો કહ્યું કે દિલ્લી થી દૂરી દૂર થવી જોઈએ પરંતુ બેઠક બાદ નેતાઓના સૂર બદલાયા હતા અને પાકિસ્તાની રાગ આલાપતા મહબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાહને દિલ્લી થી દૂરી અને ઇસ્લામાબાદ થી કરીબી જોવા મળી હતી. જોકે, બીજી તરફ ઇસ્લામાબાદમાં ઈમારાન ખાન બેઠકની તસ્વીરો જોઈને હેરાન જોવા મળ્યા હતા.

કલમ 370 નાબૂદ કર્યા બાદ જમ્મુ કશ્મીર પર પીએમ મોદીએ 14 નેતાઓની સૌથી મહત્વની બેઠક યોજી. આ બેઠકનો એજન્ડા સાફ હતો કે કલમ 370 અને 35A નો દૂર દૂર સુધી કોઈ સબંધ ન હતો. જોકે બેઠક બાદ અમુક નેતાઓએ પાકિસ્તાની રાગ આલાપવાનો શરૂ કર્યો હતો. બેઠક બાદ PDPના નેતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, મેં મીટિંગમાં જમ્મુ-કાશ્મીરના લોકોની મુસીબત સામે રાખી. કાશ્મીરના લોકો 5 ઓગસ્ટ 2019 બાદથી નારાજ છે અને શોષિત અનુભવી રહ્યાં છે. ગેરબંધારણીય રીતે અનુચ્છેદ 370ને હટાવવામાં આવ્યો, તે જમ્મુ કાશ્મીરના લોકોને પસંદ નથી. કશ્મીર પર ચર્ચા માટે પાકિસ્તાન સાથે વાતચીત કરે. તો આ તરફ બીજી બાજુ બીજી વાર સત્તા ના મળવાની ચિંતા હમણાં થી જ ઓમર અબ્દુલ્લાહને સતાવી રહી છે એટ્લે અન્ય નેતાઓ સિવાય પીએમની વાત અબ્દુલાહને રાસ ના આવી ન હતી અને સીમાંકન મુદ્દે પણ તેમણે વિરોધ નોધાવ્યો હતો. જોકે, દિલ્હીમાં ચાલતી આ બેઠક પર પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બેઠેલા ઈમરાન ખાનની પણ નજર હતી. પાકિસ્તાની મીડિયામાં દિવસભર કાશ્મીરી નેતાઓ અને પીએમ મોદીની બેઠકની વાતો ચાલી રહી છે. ત્યારે દિલ્હીમાં યોજાયેલી સર્વદલીય બેઠકથી પાકિસ્તાન ચિંતાતૂર બન્યું છે.

તમને જણાવી દઈએ કે, 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ સ્ટેટ્સને ખતમ કરી રાજ્યને બે કેન્દ્રશાસિત રાજ્યો- જમ્મુ કાશ્મીર અને લદાખમાં વહેંચી દીધા છે. ત્યાર પછીથી રાજકીય સ્થિતિ અસ્થિર થઈ ગઈ છે. મોટા ભાગના સિનિયર નેતાઓને ઘણા સમય સુધી નજરબંધ રાખવામાં આવ્યા હતા. અમુક લોકોને પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત જમ્મુ અને કાશ્મીરની બહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.


Next Story