/connect-gujarat/media/post_banners/7b75f5d635f736675d905acc8e1199c02659a45d39b812a6268c893170f67187.webp)
ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, વિપુલ પટેલ અને શાળાના બાળકોના હસ્તે અત્રેના જીવનશિલ્પ કેમ્પસમાં વૃક્ષો અને પાણીના સ્ત્રોતોને રાખડી બાંધી તેની રક્ષા કરવાના ભવ્ય અને ઉમદા વિચારને વહેતો મુકી રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત કાર્યક્રમ પ્રસંગે કપડવંજના પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વૃક્ષો અને પાણીનું જીવનમાં અગત્યનું મહત્વ હોવાનું જણાવી વૃક્ષોના આડેધડ નિકંદનથી પર્યાવરણને વ્યાપક નુકશાન, ઋતુઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પૃથ્વી પર અસંતુલન પેદા થયું છે. વધુમાં તેઓએ જળ એ જ જીવન હોવાનું જણાવી મનુષ્ય જીવનમાં પાણીનું મહત્વ સમજાવી તેની બચત, સિંચન, બગાડ અટકાવવા વિશે જણાવી સૌને વૃક્ષ વંદના અને જળ પૂજન કરી તેને બચાવવા અનુરોધ કર્યો હતો. અને માનવ જીવનમાં ઉચ્ચ મૂલ્યો કેળવવાના સંસ્થાના કાર્યક્રમને વધાવી અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના પ્રમુખ સુરેશ પારેખે જણાવ્યું કે, બાળકોમાં નાનપણથી જ વૃક્ષો અને પાણી પ્રત્યે જાગૃતિ આવે તે માટે સંસ્થા દ્વારા આ એક નવતર વિચાર સમાજમાં વહેતો મૂક્યો હોવાનું જણાવી વૃક્ષોનો આપણા ઉપર અનેક ઉપકાર છે, તથા પાણી વિના જીવન શક્ય નથી, તેમ જણાવી વૃક્ષ અને પાણીનું મહત્વ સમજાવ્યું હતું. કપડવંજ કેળવણી મંડળના મંત્રી ગોપાલ શાહે ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની સાથે પાણીનો કરકસરયુક્ત ઉપયોગ અને વૃક્ષની રક્ષા કરવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં જીવન શિલ્પના ડિરેક્ટર સિદ્ધાર્થ સ્વાગત સાથે સૌને પ્રકૃતિનું જતન અને રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત સૌ મહેમાનોએ વિદ્યાર્થીઓને સાથે રાખી સંસ્થાના સંકુલમાં આવેલ વિવિધ વૃક્ષ તથા પાણીના સ્ત્રોતને રાખડી બાંધી ધન્યતા અનુભવી હતી. તથા પાણી અને વૃક્ષને બચાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના ઉપપ્રમુખ નિલેશ પટેલ, પૂર્વ પ્રમુખ ડો. જે.આર.ચૌહાણ, જીવન શિલ્પના ટ્રસ્ટી નીતિન પટેલ, હરનીશ ચોકસી અને શાળાના આચાર્ય જય ચોકસી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.