કચ્છ : લખપતના દયાપર-ઘડુલી હાઈવે પર ડમ્પર ફરી વળતા 130થી વધુ ઘેટાં-બકરાના મોત...

New Update
કચ્છ : લખપતના દયાપર-ઘડુલી હાઈવે પર ડમ્પર ફરી વળતા 130થી વધુ ઘેટાં-બકરાના મોત...

પશ્ચિમ કચ્છના છેવાડે આવેલ લખપત તાલુકાના મુખ્ય ધોરીમાર્ગ દયાપર-નાની વિરાણી વચ્ચે ઘડુલી ગામ નજીક ગત મધરાત્રીએ સર્જાયેલ ગંભીર અકસ્માતમાં માર્ગ ઉપર પુરપાટ જતાં ડંપરની અડફેટે અંદાજિત 130થી વધુ ઘેટાં-બકરાના મોત થયા હતા.

મળતી માહિતી અનુસાર, પશ્ચિમ કચ્છના લખપત તાલુકાના મુખ્ય ધોરીમાર્ગ દયાપર-નાની વિરાણી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઘડુલી ગામ નજીક ગત મધરાત્રીએ પુરપાટ જતાં ડંપરની અડફેટે અંદાજિત 130થી વધુ ઘેટાં-બકરાના મોત થયા હતા. ઘેટાંના કચડાઈ જવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માતના કારણે માલધારી પરિવારોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. લખપત તાલુકાના ઘડુલી ગામથી દોઢ કિલોમીટર દૂર આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ડંપર માર્ગ પરથી ઉતરીને બાવળની ઝાડીમાં જઇ ચડ્યું હતું, જ્યારે ડંપર ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી નાસી ગયો હતો. અકસ્માતમાં પોતાના ઘેટાં બકરા ગુમાવનાર ત્રણેય માલધારી ઘડુલી ગામના રહેવાસી છે. આ મામલે માલધારીઓ દ્વારા અંતે આર્થિક નુકસાની પહોંચાડનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.