Connect Gujarat
ગુજરાત

કચ્છ : ટીમ્બરના ઉદ્યોગના વ્યવસાયકારો મુકાયા ભીંસમાં, લાકડાની માંગમાં થયો ઘટાડો

કચ્છ જિલ્લો ટીમ્બર ઉદ્યોગ માટે છે જાણીતો, દેશ અને વિદેશમાં લાકડાની થાય છે આયાત- નિકાસ.

X

કોરોના વાયરસની મહામારીએ સમગ્ર દેશ અને વિશ્વમાં મોટાભાગના ઉદ્યોગોનો દાટ વાળી દીધો છે ત્યારે તેમાંથી કચ્છનો ટીમ્બર ઉદ્યોગ પણ બાકાત રહયો નથી.

ગુજરાતમાં અનેક પ્રકારના વ્યવસાયો થકી ગુજરાતીઓએ વિશ્વભરમાં નામના મેળવી છે. ટીમ્બર એટલે કે લાકડાના ઉદ્યોગની વાત કરવામાં આવે તો રાજ્યમાં કચ્છનું ગાંધીધામ ટીમ્બર ઉદ્યોગનું હબ છે. ગાંધીધામમાં લાકડાની અને સો મિલ, બેન્સા અને પ્લાયવુડ બનાવતી ફેકટરીઓ આવેલી છે. ગાંધીધામના વેપારીઓ દેશ તેમજ વિદેશમાં લાકડાની આયાત અને નિકાસ કરતાં હોય છે. કોરોનાની બે લહેરએ ટીમ્બરના ઉદ્યોગને મરણતોલ ફટકો માર્યો છે.

લાકડાની માંગમાં ઘટાડો થતાં વેપારીઓ તથા મિલ માલિકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કંડલા ટીમ્બર એસોસીએશનના પ્રમુખ નવનીત ગજજરે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે લાકડાની માંગ ઘટી છે બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બન્યું છે. તેમજ બંદરો પર ફ્રેઈટ ચાર્જ બમણા થઈ ગયા જેથી ખર્ચ વધી ગયો જેની સામે લાકડાની માંગ નથી ઉપરથી માર્કેટમાંથી સમયસર પૈસા પણ નથી આવતા જેથી બેંકોના હપ્તા ભરી શકાતા નથી.જેના કારણે ઘણી સો મીલ બંધ પડી છે,ઘણી પલાયવુડ ફેકટરીઓ વેચાણ માટે મુકાઈ ગઈ છે.

કંડલા ટીમ્બર એસોસિએશનના ઉપપ્રમુખ હેમચંદ્ર યાદવ જણાવે છે કે,કોરોનાના કારણે શહેરોમાંથી લાકડાના ઓર્ડર આવતાં નથી જેથી અમારો વેપાર ઠપ થયો છે અને તેની અસર આ વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમજીવીઓ તેમજ અન્ય લોકો ઉપર પણ પડી છે. કોરોનાના કારણે વતનમાં ગયેલા઼ પરપ્રાંતિય શ્રમિકો હજી પરત ગુજરાત આવ્યાં નથી. અમારા ખર્ચ વધી ગયાં છે જેની સામે આવક એકદમ ઘટી છે. સરકાર ટીમ્બર પરનો જીએસટી 18 ટકાથી ઘટાડી 5 ટકા કરે તો અમારો વ્યવસાય ફરી બેઠો થઇ શકે તેમ છે. વર્ષોથી આ બાબતે રજુઆત કરીએ છીએ પણ કોઇ પરિણામ હજુ સુધી આવ્યું નથી.

સરકારે લોકડાઉન બાદ અર્થતંત્રની ગાડી પાટા ઉપર લાવવા માટે લાખો કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે ત્યારે મરણ પથારીએ પડેલા ટીમ્બર ઉદ્યોગને બેઠો કરવા સરકાર મદદ કરે તેવી વ્યવસાયિકો આશ લગાવી બેઠા છે..

Next Story