/connect-gujarat/media/post_banners/40ce7fe45a8e05acf35d8c409e5a1251a4f8f829b54b848d5b4bdd85b7866a75.jpg)
સિંહોના સામ્રાજ્ય એવા અમરેલી જિલ્લામાં પોતાની અલગ ઓળખ ઊભી કરનાર સિંહણના મોત બાદ સિંહ પ્રેમીઓએ સ્વખર્ચે સિંહણની પ્રતિમા સ્થાપિત કરી છે. આ સિંહણે લીલીયા વિસ્તારના ક્રાંકચમાં રાજમાતા તરીકે સ્થાપિત થઈ સાવજોનું અલગ સામ્રાજ્ય ઉભું કર્યું હતું.
અમરેલી જિલ્લો એટલે સિંહોનું સામ્રાજ્ય, અને સિંહોના સામ્રાજ્યમાં એક એવી સિંહણ કે, જેણે પોતાની અલગ ઓળખ ઊભી કરી રાજમાતા તરીકે સ્થાપિત થઈ નવું બૃહદ ગીરનું જંગલ સ્થાપિત કર્યું છે. અમરેલી જિલ્લાના લીલીયા પંથકના ક્રાંકચ ગામની શેત્રુજી નદી કાંઠે 1999માં પ્રથમવાર એક સિંહણ જોવા મળી હતી. જોકે, આ સિંહણે એક અલગ સામ્રાજ્ય સ્થાપ્યું અને સમગ્ર લીલીયા પંથકમાં બૃહદ ગીર સ્થપાયું. રાજમાતાના નામથી પ્રચલિત બનેલી આ સિંહણએ સમગ્ર વિશ્વમાં મુક્ત વિહરતી સિંહણોમાં સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. ગીર જંગલ બહાર નીકળી શેત્રુજી નદીના કાંઠે અઢી દાયકા પહેલા પોતાનું સામ્રાજય બનાવનાર રાજમાતા સિંહણે ક્રાંકચ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે, ત્યારે ગામ લોકોએ રાજમાતાની સ્મૃતિમાં ગામની સીમમાં તેની પ્રતિમાનું સ્થાપન કર્યુ છે. રાજમાતા સિંહણની કાયમી સ્મૃતિ સિંહ પ્રેમીઓમાં અકબંધ જળવાઈ રહે તેવા હેતુને સાર્થક કરવા સ્વખર્ચે રાજમાતાનું સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવ્યું છે.
જોકે, લીલીયા પંથકના ક્રાંકચ વિસ્તારમાં રાજમાતા સિંહણે સાવજ કુળને વિસ્તારીને અન્ય વિસ્તારોમાં પણ સ્થાયી થઈ છે. જેથી રાજમાતા અને તેના પરિવારના સાવજોની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ પણ મોટો ભોગ આપ્યો હતો, અને હવે તેની સ્મૃતિ કાયમ જળવાઇ રહે તેવું કામ ગામ લોકોએ કર્યુ છે, જ્યારે રાજમાતાના નામે 3 વિશ્વ વિક્રમ સ્થાપ્યા છે. તેમાં સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય ભોગવવાના વિશ્વ વિક્રમ, ઉપરાંત મુક્ત વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાનો વિશ્વ વિક્રમ પણ રાજમાતા સિંહણના નામે છે. તેણે જીવનકાળમાં 7 વખત બચ્ચાને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત રાજમાતાએ સૌથી મોટી ઉંમરે 18 વર્ષે માતા બનવાનો પણ વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. આજે લીલીયા વિસ્તારમાં 53 સાવજો વસ્યા તે રાજમાતાની દેન હોવાનું સિંહપ્રેમીઓ જણાવી રહ્યા છે, ત્યારે રાજમાતા સિંહણનું સ્મારક બનાવવાનો વિચાર વર્ષ 2020માં રાજમાતા સિંહણનું બેસણું રાખવામાં આવ્યું હતું, ત્યારે કરવામાં આવ્યો હતો.