અમરેલી જિલ્લાના બાબરા તાલુકા સહિતના પંથકમાં યુરિયા ખાતર લેવાં માટે જગતના તાતની વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી છે, ત્યારે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.
રાજ્યભરમાં ખેડૂતો દ્વારા ખેતીમાં નાઇટ્રોજનયુક્ત ખાતરના સ્વરૂપે યુરિયાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી યુરિયા ખાતરની અછત જોવા મળી છે. તેવામાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકા સહિતના પંથકમાં ખેતી માટે યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે. જેના કારણે વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા લાંબી કતારોમાં ઊભા રહે છે.
આ મામલે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થાય તેવી માંગ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ, રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે સૌરાષ્ટ્રમાં ખાતરની કોઈ અછત નહીં હોવા અંગે સ્પષ્ટતા કરી હતી. પરંતુ યુરિયા ડેપો પર ખાતર નહીં મળતા ખેડૂત જગતમાં રોષ જોવા મળી રહ્યો છે.