બાલાસિનોરની સરકારી શાળામાંથી સામે આવી ઘટના
અમદાવાદ જેવી ઘટના સામે આવતા પંથકમાં ચકચાર
એક વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થીને ચપ્પુના ઘા માર્યા
ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડાયો
કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
મહીસાગર જિલ્લાના બાલાસિનોરની સરકારી શાળામાંથી અમદાવાદ જેવી ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો, ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ બાદ હવે મહીસાગર જિલ્લામાં પણ વિદ્યાર્થીએ નજીવી બાબતે અન્ય વિદ્યાર્થી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરના તળાવ પાસેની એક સરકારી શાળાના વિદ્યાર્થીઓ શાળામાંથી સાંજે છૂટ્યા બાદ બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન ધોરણ 8માં ભણતા 2 વિદ્યાર્થી વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી.
જેમાં એક વિદ્યાર્થીએ મસ્તી કરવાની ના પાડી હતી, જેથી સામેવાળો વિદ્યાર્થી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો, અને અપશબ્દો બોલવા લાગ્યો હતો, ત્યારે અપશબ્દો બોલવાની ના પાડતાં સામેવાળા વિદ્યાર્થીએ બરડાના ભાગે માર માર્યો હતો. જેથી તે સામે મારવા જતાં સામેવાળા વિદ્યાર્થીએ અચાનક તેના થેલામાંથી ચપ્પુ કાઢી ખભા, પેટ અને પેઢાના ભાગે મારી વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. બનાવના પગલે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીએ બાલાસિનોર ટાઉન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે, ત્યારે ભોગ બનનાર બાળકના વાલીના નિવેદનના આધારે બાલાસિનોર પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક બાદ એક વિદ્યાર્થી દ્વારા ચપ્પુના હુમલાના કારણે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેવામાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ આ મામલે કડક કાયદા બનાવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે.