/connect-gujarat/media/post_banners/b8644c98fbfa589c8b36a0524137236be397b241ddc601472f5bcec1f52fe8e1.jpg)
નવલા નોરતાનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે વિવિધ સ્થળોએ પરંપરા અનુસાર માટીના ગરબાનું સ્થાપન કરવામાં આવ્યું છે. સમયની સાથે સાથે હવે માટીકામનો વ્યવસાય લુપ્ત થઇ રહયો છે ત્યારે મહીસાગર જિલ્લાના વિરપુર ગામના પ્રજાપતિ પરિવારે માટીનો ગરબો બનાવવાની કળાને હજી જીવંત રાખી છે.....
નવરાત્રિ અને દિવાળીના તહેવારમાં માટીના કોડીયા સહિતની વસ્તુઓની માંગમાં વધારો થતો હોય છે પણ હવે ઇલેકટ્રીક તોરણો અને દીવાઓ આવી જતાં માટીમાંથી બનેલી વસ્તુઓ લોકો ઓછી ખરીદતાં હોય છે. માટીકામ સાથે સંકળાયેલાં પ્રજાપતિ પરિવારોનો પરંપરાગત વ્યવસાય હવે નાબુદ થવાની એરણે છે. શહેરોમાં હવે માટીના કોડીયા અને ગરબાઓનું ખાસ વેચાણ થતું નથી પણ ગામડાઓમાં હજી ખરીદદારો મળી આવે છે. બજારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી આકર્ષક લગતા ચાઇનીઝ કોડિયા આવી જતા માટીકામના મૂળભૂત હસ્તકળાને મરણતોલ ફટકો પડ્યો છે પરંતુ મહીસાગર જીલ્લાના વિરપુર ગામના પ્રજાપતિ સમાજના કારીગરોઓએ આજે પણ આ કળાને સાચવી રાખી છે.
વિરપુરના ભરત પ્રજાપતિના પરીવારની પાંચમી પેઢીએ માટીકામની કળાને જીવંત રાખી છે. નવરાત્રીનો તહેવાર શરૂ થઇ ચુકયો છે ત્યારે તેમણે અવનવી ડીઝાઇન અને રંગરોગાન સાથે માટીના ગરબા બનાવ્યાં છે. વિરપુર જ નહિ આસપાસના ગામડાઓમાંથી લોકો તેમને ત્યાં ખરીદી માટે આવી રહયાં છે. સાંપ્રત સમયમાં નવરાત્રીનું પણ આધુનિકરણ થઇ ગયું છે ત્યારે વિરપુર નગરમાં આજે પણ નવરાત્રીમાં માતાજીના ગરબાને ખરીદી તેમાં દીવો પ્રગટાવવાની પરંપરા અને સંસ્કૃતિ અકબંધ છે અને તાંબા અને પીતળના ગરબાની જગ્યા એ આજે પણ વિરપુર તાલુકામાં માટીના ગરબાનું આગવું મહત્વ છે.
/connect-gujarat/media/media_files/2025/07/08/new-thumblain-copy-copy-2025-07-08-21-20-48.jpg)