કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતના પ્રવાસે આવી ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી. હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડ દ્વારા કોવેક્સિનનું ઉત્પાદન કરવામાં આવનાર છે, ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે કેન્દ્રીય મંત્રીએ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.
ભારત દેશના અનેક સેન્ટર પર જુદી-જુદી વેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે, ત્યારે નવી કંપનીઓ સાથે વધુ વેક્સિન ઉત્પાદન કરવાનું કામ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. દેશમાં ડિસેમ્બર સુધીમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો માટે વેક્સિનેશનનું કાર્ય પૂર્ણ કરવાનો સરકારે ધ્યેય લીધો છે, ત્યારે ગુજરાતના પ્રવાસ દરમ્યાન સૌપ્રથમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી. વેક્સિન ઉત્પાદનને લઈ કેન્દ્રીય મંત્રીએ સમીક્ષા કરી હતી.
ઝાયડસ વેક્સિન પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતું કે, ઝાયકો-D વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે ઝાયડસે મંજૂરી માંગી છે. ઝાયડસ વેક્સિન સૌપ્રથમ બનેલી DNA વેક્સિન છે. ઝાયડસની વેક્સિનને મંજૂરી મળશે તેવી આશા છે, ત્યારે દરેક કંપની કેટલી વેક્સિન અને સપ્લાય કરશે તે અગાઉથી જ નક્કી કરવામાં આવ્યું છે. જોકે, આગામી ડિસેમ્બર માસ સુધીમાં દેશના તમામ લોકોને વેક્સિન આપવાનો અંદાજ છે. તો સાથે જ કેટલીક કંપનીઓએ પણ બાળકોની વેક્સિનની ટ્રાયલ માટે મંજૂરી પણ માંગી છે.
આમ ડિસેમ્બર પહેલા દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોને વેક્સિન આપવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોવેક્સિનનું ઉત્પાદન મેહસાણામાં થવાનું છે, ત્યારે તેની તૈયારીઓ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સમીક્ષા કરી હતી. હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડ દ્વારા કોવેક્સિનના ઉત્પાદન માટેની તૈયારીઓ પૂર્ણ થઇ છે. તો સાથે જ કડી તાલુકામાં આવેલ હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડની મુલાકાત પ્રસંગે ટેકનોલોજી ટ્રાન્સફર, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, લેબોટરી નિર્માણનું કામ ચાલી રહ્યુ છે જેનું કેન્દ્રિય મંત્રીએ પ્રત્યેક અવલોકન અને નિરીક્ષણ કર્યું હતું.