Connect Gujarat
ગુજરાત

મહેસાણા : કેન્સરગ્રસ્ત મહિલા માટે યુવતીએ કરાવ્યું મુંડન, જુઓ શું છે આખી કહાની

કેન્સરની સારવારથી મહિલાએ ગુમાવી દીધાં હતાં વાળ, 22 વર્ષીય યુવતીએ મહિલા માટે માથે કરાવ્યું મુંડન.

X

તમે અન્નદાન, રકતદાન, વસ્ત્રદાન વિશે સાંભળ્યું હશે પણ આજે અમે તમને બતાવીશું એક અનોખું દાન. જેમાં એક યુવતીએ કેન્સરની બિમારીથી પીડાતી મહિલા માટે પોતાના માથાના વાળ દાનમાં આપ્યાં છે.

મહિલાઓના માથાના વાળ તેમની શોભામાં અભિવૃધ્ધિ કરતાં હોય છે અને વાળની સારસંભાળ માટે મહિલાઓ હજારો રૂપિયા ખર્ચી નાંખતી હોય છે પણ મહેસાણાની 22 વર્ષીય તિથિ પ્રજાપતિ નામની યુવતીએ માથે મુંડન કરાવી નાંખ્યું છે. પોતાના પરિવારમાં એક મહિલાને કેન્સર હોવાનું નિદાન થતાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. કિમોથેરાપીના કારણે આ મહિલાના માથા પરથી સંપુર્ણ વાળ ઉતરી ગયાં હતાં. આ મહિલાના માથે વાળ નહિ હોવાથી તે ક્ષોભજનક અનુભવ કરતી હતી. આ બાબતની જાણ થતાં તિથિ પ્રજાપતિ તેમની મદદ માટે આગળ આવી હતી..

મહિલાઓ અને યુવતીઓ તેમના વાળની ચીવટપુર્વક સારસંભાળ રાખતી હોય છે ત્યારે તિથિ પ્રજાપતિએ અનોખા દાનની પહેલ કરી છે. તિથિના વાળને એક સેવાભાવી સંસ્થા મારફતે મુંબઇ ખાતે મોકલવામાં આવશે અને ત્યાં વિગ બનાવીને કેન્સરગ્રસ્ત મહિલાને આપવામાં આવશે. પોતાની દિકરીએ કરેલી પહેલને તેની માતાએ પણ આવકારી છે. માથામાં મુંડન બાદ ક્ષોભ અનુભવતી પીડિત મહિલાઓને ક્ષોભ મુક્ત કરવાના તિથિના પ્રયાસને લોકોએ પણ વખાણ્યો છે.

Next Story