Connect Gujarat
ગુજરાત

નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચાર્જિંગમાં મુકેલી 20 ઈ-રીક્ષાઓ ભડકે બળી, SOU સત્તા મંડળ તપાસમાં જોતરાયું...

જોતજોતામાં ચાર્જ થઈ રહેલી તમામ પિંક ઇલેક્ટ્રિક રીક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ

નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચાર્જિંગમાં મુકેલી 20 ઈ-રીક્ષાઓ ભડકે બળી, SOU સત્તા મંડળ તપાસમાં જોતરાયું...
X

દેશની પેહલી ગ્રીન અને ઇ-સિટી કેવડિયા SOU એકતાનગરમાં ગુરૂવારે મળસ્કે ચાર્જીગમાં મુકેલી 20 ઇ-રિક્ષાઓ બળીને ખાખ થઈ જવાની ઘટના સામે આવી છે. SOU સતા મંડળ હાઈવોલ્ટેજ કે, બેટરી ફાટવા સહિતના ક્યાં કારણોસર ઘટના ઘટી તેની તપાસમાં જોતરાઈ ગયું છે. વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા SOU હાલના એકતાનગરને દેશની પેહલી ગ્રીન અને ઇલેક્ટ્રિક શહેર જાહેર કર્યું હતું.

STATUE of UNITY સતા મંડળ દ્વારા આ અંગે વર્કશોપ, સર્વિસ સ્ટેશન બનાવી મહિલાઓને પિંક ઇ-રીક્ષા ચલાવવાની તાલીમ પણ અપાઈ હતી. જે બાદ કવિક અને હાઈ વોલ્ટેજ ચાર્જના ઇ-સ્ટેશનો પણ ઠેર ઠેર સ્થાપિત કરી તબક્કાવાર SOU કેવડિયામાં 25-25 કરી ઇ-રિક્ષાઓ પ્રવાસીઓ માટે દોડતી કરવામાં આવી હતી. જે પિંક રીક્ષા મહિલાઓ જ ચલાવી રહી છે. આજે કેવડિયા ઇસિટીમાં 100થી વધુ ઇ-રીક્ષા પ્રવાસીઓ માટે દોડી રહી છે. બુધવારે રાતે SOU પરિસર બંધ થયા બાદ ચાર્જિગ સ્ટેશન ઉપર એક સાથે 20 ઇ-રીક્ષા ચાર્જ થવા મુકી હતી. ગુરુવારે મળસ્કે આશરે 3થી વાગ્યાના સુમારે એકાએક આ રીક્ષાઓ સળગવા લાગી હતી.

અને જોતજોતામાં ચાર્જ થઈ રહેલી તમામ પિંક ઇલેક્ટ્રિક રીક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. સાગમટે 20 રીક્ષા સળગી ઉઠવાની જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિતિનું સતા મંડળ અને ફાયર બ્રિગેડ સહિત પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલ તો હાઈ વોલ્ટેજના કારણે ચાર્જમાં મુકેલી રીક્ષા બળીને રાખ થઈ ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે, ટેક્નિકલ અને નિષ્ણાતોની ટીમ ઘટના હાઈ વોલ્ટેજ, બેટરી ફાટવા કે, ઓવર ચર્જિંગના લીધે ઘટના બની તેની તપાસ કરી રહી છે. વધુમાં કોઈ અનિચ્છનીય બનાવ કે, ભાંગ ફોડીયા તત્વ દ્વારા પણ આ કૃત્ય કરાયું છે કે, નહીં તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.

Next Story