Connect Gujarat
ગુજરાત

નર્મદા : રાજપૂત સમાજ દ્વારા તલવાર કરતબો થકી માઁ હરસિદ્ધિની આરતી કરાય, લોકોમાં જમાવ્યું આકર્ષણ...

માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં દરેક ભક્તો પોતાની શક્તિ પ્રમાણે માઁની ઉપાસના કરે છે

X

માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં દરેક ભક્તો પોતાની શક્તિ પ્રમાણે માઁની ઉપાસના કરે છે, ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલ માઁ હરસિદ્ધિના પૌરાણિક મંદિરે રાજપૂત સમાજ દ્વારા તલવાર કરતબો થકી આરતી કરવામાં આવી હતી. જેને જોવા મોટી સંખ્યામાં લોકટોળા ઉમટ્યા હતા.

રાજપૂતોની કુળદેવી ગણાતી માઁ હરસિદ્ધિનું એક મંદિર ઉજ્જૈનમાં છે, અને બીજું મંદિર નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલું છે, ત્યારે રાજપીપળામાં આવેલ માઁ હરસિદ્ધિના પૌરાણિક મંદિરે રાજપૂત સમાજ દ્વારા માઁ હરસિદ્ધિની આરતી અનોખી રીતે થાય તે આશયથી 175 જેટલા યુવાનો છેલ્લા 9 વર્ષથી પ્રયત્નશીલ છે, અને રાજપૂતોના શૌર્ય સમા તલવાર કરતબો થકી આરતી કરી લોકોમાં આકર્ષણ જમાવે છે.

માતાજીની આરતી અનોખી રીતે તલવાર બાઝીથી થાય તે માટે 10 વર્ષના બાળકથી લઈને 40 વર્ષના યુવાનોએ એક સાથે આરતીની ધૂનમાં તલવાર કરતબો કરતાં અનોખું દ્રશ્ય સર્જાયું હતું. સતત 1 કલાક અને 30 મિનીટ સુધી ચાલતી કુલ 3 આરતીમાં 175 જેટલા યુવાનોએ સતત તલવાર કરતબો દ્વારા માતાજીની અનોખી આરાધના કરી ધન્યતા અનુભવી હતી.

જોકે, તલવાર એ રાજપૂતોનું શસ્ત્ર ગણાય છે. પરંતુ આ શસ્ત્રને સમય આવે ક્ષત્રાણી પણ ચલાવી શકે તે આશય અને સાથે જ આ શસ્ત્ર ચલાવી શકશે તેવી માતાની અનોખી શ્રદ્ધા સાથે તલવાર આરતી કરવામાં આવી હતી. જોકે, આ વર્ષે આ તલવાર મહાઆરતીની વિશેષતા એ છે કે, માત્ર નર્મદા જ નહીં પણ પાડોશી જિલ્લામાં વસતા રાજપૂત યુવાનોએ પણ તલવાર આરતીમાં ભાગ લીધો હતો.

Next Story