/connect-gujarat/media/post_banners/831112c2359a3730b577f0420f6608e604dede5737b1bf98b411fda52c3c527c.jpg)
નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે કર્ણાટકના રાજયપાલ થાવરચંદ ગેહલોત આવી પહોચ્યા હતા, જ્યાં તેઓએ સરદાર સાહેબની પ્રતિમાની ચરણ વંદના કરીને ભાવાંજલી અર્પણ કરી હતી. કર્ણાટકના રાજયપાલ થાવરચંદ ગેહલોતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ 135 મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.
સરદાર સાહેબની પ્રતિમાની પૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું હતું કે, વિશ્વ ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને અત્યંત પ્રભાવિત થયો છું. સરદાર વલ્લભ પટેલની પ્રેરણા આ પ્રતિમાથી નિરંતર સૌને મળતી રહેશે અને તેનાથી દેશની એકતા અને અખંડીતતા વધુ મજબુત થશે તેવો આશાવાદ પણ તેઓએ સેવ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, પ્રતિમાના નિર્માણ થકી સમસ્ત એકતાનગરનો વિકાસ થયો છે, અને સાથે સાથે સ્થાનિય આદિવાસી સમાજને પણ સીધી રોજગારી મળી છે. જે પ્રધાનમંત્રીના પ્રયત્નોને કારણે શક્ય બન્યુ છે. કર્ણાટકના રાજયપાલ થાવરચંદ ગેહલોતે પ્રતિમાના નિર્માણ સાથે જોડાયેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.