નર્મદા જિલ્લો વનરાજીથી ઘેરાયેલો છે ત્યારે રાજપીપળા નજીક આવેલ માંડણ ગામ લખલૂટ કુદરતી સૌંદર્ય ધરાવે છે. માંડણ ગામ હવે પ્રવાસીઓ માટે ટુરિસ્ટ સ્પોટ બની રહયું છે.
નર્મદા જિલ્લો જંગલથી ઘેરાયેલો વિસ્તાર છે.ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. નર્મદા જિલ્લાના જુનારાજ, નિનાઈ ધોધ, ઝરવાણી, વિષલખાડી સહિતના સ્થળો કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર છે, આ સ્થળો પર પાણીના ધોધ, ઝરણાંમાં પ્રવાસીઓ ન્હાવાની મઝા માણે છે. પણ આ જગ્યાઓ પર ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ વધુ આવતા હોય છે.
એ વિસ્તારના સ્થાનિક લોકો કાયદેસરની એક મંડળી બનાવી પ્રવાસીઓ પાસેથી વાહન ચાર્જ વસુલે છે, અને એ પૈસા એ જ વિસ્તારના વિકાસના કાર્યમાં વાપરે છે, તો બીજી બાજુ સ્થાનિક આદિવાસીઓ પ્રવાસીઓ માટે ઘરઘથ્થુ ભોજન બનાવીને પણ આવક મેળવી રહ્યા છે.હાલ નાંદોદ તાલુકાનું માંડણ ગામ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ગામમાં પ્રવેશતાની સાથે કાશ્મીરમાં ફરતા હોય એહસાસ થાય છે. પ્રવાસીઓની વધતી સંખ્યા જોઈ આ ગામ લોકોએ તાત્કાલિક કામચલાઉ શૌચાલયો ઉભા કર્યા છે. જો કોઈ પ્રવાસી પાણી ડુબતો હોય તો તેને બચાવવા તરવૈયાઓની વ્યવસ્થા પણ કરી છે.
માંડણ ગામમાં પ્રવાસીઓ માટે ઉભી કરેલી સુવિધાઓ માટે ગ્રામજનો દ્વારા બનાવાયેલી સમિતિ આવતા તમામ પ્રવાસીઓ પાસે કાયદેસર રસીદ આપી વાહન ચાર્જ વસુલે છે. જો સરકાર દ્વારા પણ આ બાબતે ધ્યાન આપવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સૌથી વધુ પસંદગીનું સ્થળ બની શકે છે માટે અહીં આ યુવાનોને તાલીમ આપીને આધુનિક બોટો આપીને જો સુંદર સગવડ ઉભી કરવામાં આવે તો સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે માડણ ગામ બની શકે છે.