નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત જંગલ સફારી પાર્કમાં એક નવા મહેમાનનું આગમન થયું છે. દક્ષિણ અમેરિકાના મૂળ અલ્પાકા નામના વન્યપ્રાણીએ એક બચ્ચાને જન્મ આપતા જંગલ સફારી પાર્કના અધિકારીઓમાં હર્ષની લાગણી છવાઈ છે.
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 375 એકરમાં જંગલ સફારી બનાવવામાં આવ્યું છે. જેમાં દેશ અને વિદેશના મળી 1500 જેટલા પશુ-પક્ષીઓ વિવિધ વિભાગોમાં રાખવામાં આવ્યા છે. અહીં તાજેતરમાં અહીના વાતાવરણને માફક આવેલ દક્ષિણ અમેરિકાના મૂળ અલ્પાકાને ત્યાં એક નવું મહેમાન આવ્યું છે. એટલે કે, અલ્પાકાએ એક બચ્ચાનો જન્મ આપ્યો છે. બાળ અલ્પાકાના આગમનને લઈને જંગલ સફારીના અધિકારીઓમાં હર્ષની લાગણી છવાઈ જવા પામી છે.
જોકે, જંગલ સફારીનું વાતાવરણ પ્રાણીઓને અનુકૂળ આવતા પ્રાણીની વસ્તીમાં વધારો પણ નોંધાઈ રહ્યો છે. આ બચ્ચાના જન્મ સાથે જ જંગલ સફારીમાં અલ્પાકાની સંખ્યા હવે 4 થઈ છે. અગાઉ આ પ્રકારના પ્રાણી સંગ્રહાલયો ફક્ત પક્ષી-પ્રાણી સૃષ્ટિના દર્શન સ્થળો હતા. જોકે, હવે અભિગમ બદલાયો છે અને તે પ્રમાણે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવડીયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું પણ સ્થળ બન્યું છે.