/connect-gujarat/media/post_banners/0594b897acbaee13664b7a2746123297288ee60447d2996a967fc1757b87f191.jpg)
નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના બે શકમંદ આરોપીઓના થયેલા શંકાસ્પદ મોત મામલે અંતે પોલીસ દ્વારા બે પોલીસ અધિકારીઓ સહિત કુલ ચાર પોલીસકર્મી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના રહેવાસી રવિ જાદવ અને સુનિલ પવાર નામના યુવકોને બાઈક ચોરીના શંકાસ્પદ આરોપી તરીકે પોલીસ 19મી તારીખે ચીખલી પોલીસ સ્ટેશનમાં લાવી હતી. પોલીસે બંને શકમંદ આરોપીઓને પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાં રાખ્યા હતા.21મી તારીખે સવારના સમયે કોમ્પ્યુટર રૂમના પંખામાં ગળેફાંસો ખાઘેલી હાલતમાં બંને યુવકના મૃતદેહ મળી આવ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોત થતા પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો પરિવારજનોની વ્હારે આવ્યા હતા અને સમગ્ર મામલાની ન્યાયિક તપાસની માગ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરવામા આવી હતી. આ ઘટનાના વિરોધમાં સોમવારે ડાંગ બંધનું એલાન પણ આપવામા આવ્યું હતું ત્યારે પોલીસે પણ કાર્યવાહીની ખાતરી આપી હતી.
બાદમાં હાલ પોલીસ ચાર પોલીસકર્મીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામા આવી છે. ચીખલી પોલીસ સ્ટેશનના કસ્ટોડિયલ ડેથ કેસ મામલે પોલીસે પીઆઈ અજીતસિંહ વાળા, પીએસઆઈ એમ.બી. કોકણી, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ રામજી યાદવ સામે હત્યા અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.