Connect Gujarat
ગુજરાત

નવસારી : માવઠાના કારણે ચીકુનો સ્વાદ પડશે ફીકકો, ઓછા ભાવ ખેડુતોને ડુબાડશે

માવઠાના કારણે ચીકુની ગુણવત્તા ઘટી જતાં ઓછો ભાવ મળે તેવું ખેડુતો માની રહયાં છે..

X

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદથી સૌથી વધારે ચિંતા નવસારીના અમલસાડમાં ચીકુનું વાવેતર કરતાં ખેડુતોના લલાટે ઉપસી આવી છે. માવઠાના કારણે ચીકુની ગુણવત્તા ઘટી જતાં ઓછો ભાવ મળે તેવું ખેડુતો માની રહયાં છે..

ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, બંગાળ અને તામિલનાડુમાં ખેડુતો ચીકુનું વાવેતર કરે છે. દેશના છ રાજયોમાં ચીકુનું ઉત્પાદન થાય છે પણ સૌથી સારી ગુણવત્તા ગુજરાતના અમલસાડમાં થતાં ચીકુની હોય છે. દર વર્ષે ખેડુતો કુદરતી આફતોનો સામનો કરતાં હોય છે ત્યારે આ વર્ષે કમોસમી વરસાદે ખેડુતોની દશા બગાડી છે.

નવસારી જિલ્લાના અમલસાડી ચીકુ તેની ગુણવત્તા માટે જાણીતાં છે. કમોસમી વરસાદના કારણે ચીકુના પાકને માઠી અસર પહોંચતા ખેડૂતો માટે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ થઈ છે. આ વખતે નવેમ્બર માસમાં ચીકુની આવક સારા પ્રમાણમાં થઈ છે અને ખેડૂતોને 800 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીના ભાવો પણ મળ્યા છે પરંતુ કમોસમી પડેલા વરસાદના કારણે હવે આ ભાવોમાં ઘટાડો થશે.

માવઠાના લીધે ચીકુ ઝાડ પર જ પાકી જાય છે અને બગડેલા ચીકુ જમીન પર પડતાં બિન ઉપયોગી બની જાય છે. સદનસીબે આ વખતે કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો ન હતો જેના કારણે અમુક વિસ્તારોમાં ચીકુનો ફ્લાવરિંગ ઝાડ ઉપર જ સલામત રહયું છે. અમલસાડ મંડળીમાં પણ હાલ ચીકુની ખરીદી બંધ કરવામાં આવી છે. બે દિવસ યાર્ડ બંધ રહેતા આવનારા દિવસમાં ફરી ચીકુનો પાક આવે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Story