નવસારી : સરકારી વાહનો સહિત ખાનગી સંપત્તિને નુકશાન પહોંચાડવા બદલ વાંસદાના ધારાસભ્ય વિરુદ્ધ "ફરિયાદ"

8મી ઓક્ટોબરના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ ઘાયલ થયા હતા, અને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા

New Update
નવસારી : સરકારી વાહનો સહિત ખાનગી સંપત્તિને નુકશાન પહોંચાડવા બદલ વાંસદાના ધારાસભ્ય વિરુદ્ધ "ફરિયાદ"

નવસારી જિલ્લાના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ આવેશમાં આવેલા ટોળાએ ફાયર બ્રિગેડ સહિત પોલીસના વાહન અને ખાનગી મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય સહિતના ટોળાં વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે.

નવસારી જિલ્લાના ખેરગામ બજારમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર ગત તા. 8મી ઓક્ટોબરના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ ઘાયલ થયા હતા, અને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા, ત્યારે અનંત પટેલ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, જે દિવસે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત સ્વરૂપે આદિવાસી સમાજના લોકો સહિત ધારાસભ્યના સમર્થકો મોટી સંખ્યામાં ખેરગામના દશેરા ટેકરી વિસ્તારમાં ભેગા થયા હતા,

જ્યાં હુમલાખોરોને પકડવાની ઉગ્ર માંગ કરી હતી. આ દરમ્યાન આવેશમાં આવેલા ટોળાએ ફાયર બ્રિગેડ સહિત પોલીસના વાહન અને ખાનગી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. જે મામલે ખેરગામ પોલીસ મથકમાં ધારાસભ્ય અનંત પટેલ અને ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ, ધારાસભ્ય અનંત પટેલે ખેરગામ પોલીસ મથકમાં આપેલી ફરિયાદ મુજબ હુમલામાં સામેલ આરોપી સહિત અન્ય ઈસમો હજી પોલીસ પકડથી દૂર છે, ત્યારે ધારાસભ્ય અનંત પટેલ વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદ પ્રકરણમાં તેઓની ધરપકડ થાય છે કે, કેમ તે હવે જોવું રહ્યું.

Latest Stories