સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી મોટી સફળતા
પોલીસે નકલી ચલણી નોટના કૌભાંડનો કર્યો પર્દાફાશ
ચીખલીના તળાવચોરા ગામના શખ્સની ધરપકડ કરી
નકલી ચલણી નોટ છાપવાના સાધનો પણ જપ્ત કરાયા
પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
નવસારી જિલ્લા SOG પોલીસે નકલી ચલણી નોટના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ચીખલી તાલુકાના તળાવચોરા ગામના એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બેરોજગારી અને ધંધાની મંદી એ હાલના સમયની ગુનાખોરીને ખોલતી કડી બની રહી છે. જે આપણા દેશના અર્થતંત્રને પણ ખોખલું કરવામાં આગળ વધતું પરિબળ બન્યું છે, ત્યારે ઓરિજનલ ચલણી નોટ જેવી આબેહૂબ દેખાતી નકલી ચલણી નોટના કૌભાંડનો નવસારી જિલ્લા SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. નવસારી જિલ્લામાં ગત વર્ષોમાં નકલી ચલણી નોટના મોટા વેપલા થયા હોવાના કિસ્સા બહાર આવ્યા હતા.
કોમ્પ્યુટરમાં ડિઝાઇનમાં માસ્ટર માઇન્ડ ગણાતા ઈસમો લાલચમાં આવીને ચલણી નોટોની ડિઝાઇન બનાવીને પ્રિન્ટ કાઢી બજારમાં નકલી નોટો ફેરવવાના ફિરાકમાં હોય પણ ક્યારેક તેમનો મનસૂબો કામયાબ થતો નથી. તેવામાં નવસારી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચીખલી તાલુકાના તળાવચોરા ગામના સુરેશ ચૌહાણને ઝડપી લીધો છે. જેમાં નકલી ચલણી નોટ છાપવાના સાધનો સહિતના મુદ્દામાલ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.