નવસારી શહેરના અવસર પાર્ટી પ્લોટમાં લગ્ન પહેલા સંગીત સેરેમનીમાં નાચવામાં વ્યસ્ત મહિલાનું 17.5 તોલા સોનુ અને મોબાઈલ તેમજ પર્સ સહિતનું 8 લાખની મત્તાની ચોરી થતા ચકચાર મચી ગઇ છે.લગ્નસરામાં ચોરીની ઘટના હવે સામન્ય બની ગઈ છે. જે પરિવારમાં લગ્ન હોય છે, ત્યારે કામો અને ઉજવણીમાં તેઓની વ્યસ્તતાનો લાભ લઈને તસ્કરો આસાનીથી કિંમતી ચીજવસ્તુઓ પર હાથ ફેરો કરતા હોય છે. આવો જ એક બનાવ નવસારી શહેરમાં પણ બનવા પામ્યો છે. વેવાઈ પક્ષની મહિલા પોતાની પાસેનું 17 તોલા સોનુ ભરેલું પર્સ સોફા પર મૂકીને પરિવારજનોની કહેવાથી ગરબા રમવા જવાની ભૂલ ભારે પડી છે. ચોરે આ તકને ઝડપી 8 લાખના સોનાની કિંમતનું પર્સ તફડાવી નાખતા સંગીત સેરેમનીનો નૂર ઉડી ગયો હતો.
ફરિયાદી રાજુ શાહ કે જેઓ ચીખલી પાસે ફાર્માસ્યુટિકલ કંપની ચલાવે છે તેમના મોટાભાઈની દીકરીના લગ્ન પહેલા 7મી ડિસેમ્બરે સાંજે આઠ વાગ્યે અવસર પાર્ટી પ્લોટ સાથે સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર પક્ષના મહેમાનોને બેસવા માટે પાર્ટી પ્લોટમાં સોફાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં વેવાઈ સુનિલ પટેલ તથા તેમના ધર્મપત્ની સુપ્રિયાબેન પણ આ પ્રસંગમાં આવ્યા હતા અને પ્રથમ હરોળમાં સોફાસેટ પર તેઓ બેઠા હતા. જ્યાં સંગીતનો કાર્યક્રમ શરૂ થયો અને સુપ્રિયા બેનને પણ નાચવા માટે અન્ય પરિવારના સભ્યોએ કહેતા તેમણે પોતાના પાસે સોના ભરેલું પર્સ જમીન ઉપર મૂકીને ગરબા રમવા વ્યસ્ત બન્યા હતા. જ્યારે રાત્રે 9 વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે તેઓ પોતાના પાસે રાખેલું પર્સ મળી આવ્યું ન હતું. મહિલાના પર્સમાં બે સોનાના સેટ બુટી તથા એક સોનાનું મંગળસૂત્ર, ચાર સોનાની બંગડીઓ જે દાગીના મળી જેનું વજન 17.5 તોલા જેટલું થાય છે તેમજ એક MI કંપનીનો મોબાઇલ અને કારની ચાવી સહિત રોકડા ચાર હજાર મળી 8 લાખ 8 હજારની મત્તાની ચોરી થઈ હતી. જે બાદ સમગ્ર ઘટનાની ફરિયાદ ટાઉન પોલીસ મથકમાં કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં CCTV માં એક શંકાસ્પદ વ્યક્તિ કેદ થયો છે. જે આધારે ટાઉન પોલીસ તપાસ કરી રહી છે.