નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં રહેણાંક વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર જમીન પર મૂકી દેવામાં આવતા જોખમી સાબિત થાય એવું પ્રતિત થઈ રહ્યું છે.
આ છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું અમલસાડ ગામ જ્યાં લીલાવતી નગરના રહીશો વીજ કંપનીની કામગીરીથી નારાજ જોવા મળી રહ્યા છે.સોસાયટીના કોમન પ્લોટમાં જીઇબી દ્વારા ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે જે જમીનથી માત્ર અડધી ફૂટ ઊંચાઈ ધરાવે છે.આ ટ્રાન્સફોર્મરની આસપાસ કોઈપણ સુરક્ષાના સાધનો મૂકવામાં આવ્યા નથી.ફેન્સીંગ પણ તૂટી ગઈ છે અને ટ્રાન્સફોર્મર રહેણાક વિસ્તારમાં ખુલ્લી જગ્યા ઉપર હાલ જોખમી સાબિત થઈ રહ્યું છે. આ ટ્રાન્સફોર્મર હાઈટ પર લઈ જવા માટે અનેકવાર ગામના સરપંચ અને સ્થાનિક રહેવાસીઓએ DGVCLમાં અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે પરંતુ આ બાબતે DGVCLની ઉદાસીન નીતિ જોવા મળી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં આ મામલે કોઈપણ કાર્યવાહી ન થતા આજે સ્થાનિકોએ વીજ કંપનીના અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી
અમલસાડ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીને ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિફ્ટિંગ સ્કીમમાં ટ્રાન્સફોર્મર ખસેડી આપવા માટે તાલુકા પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા આ મામલે પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.વર્ષ 2017માં આ જ ટ્રાન્સફોર્મરમાં વાછરડું આવી જતા મોટી દુર્ઘટના બની હતી.ભૂતકાળમાં બનેલી દુર્ઘટનાઓને પરથી પણ બોધપાઠ ન લેતા અધિકારીઓ કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યા છે.