નવસારી જિલ્લાની બીલીમોરા પાલિકા અને સોમનાથ મંદિર ટ્રસ્ટ વચ્ચે રિઝર્વ પ્લોટનો વિવાદ સપાટી પર આવ્યો છે. બીલીમોરા સોમનાથ મંદિરની બાજુની વિશાળ જગ્યાનો પ્લોટ બીલીમોરા નગરપાલિકાએ રિઝર્વેશનમાં મુકી તેનો કબ્જો મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. જેને લઇ આ સમગ્ર મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.
નવસારીના બીલીમોરા ખાતે આવેલું ઐતિહાસિક સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિનામાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગત વર્ષે પાલિકાએ રૂ. 31 લાખ જેવી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યારે ફરી ખુલ્લા પ્લોટને લઈને વિવાદ શરૂ થયો છે. હાલમાં શ્રવણ માસ નજીક આવી રહ્યો છે, ત્યારે પાલિકા અને મંદિર ટ્રસ્ટ વચ્ચે પ્લોટના કબજાને લઇને વિવાદ સામે આવ્યા છે. 1985માં બીલીમોરામાં પ્રથમવાર ટાઉન પ્લાનિંગની રચના કરવામાં આવી હતી, જેમાં આ જગ્યા રિઝર્વ પ્લોટમાં હતી. જે જગ્યાને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વેચાણથી લેવામાં આવી હતી. ત્યારથી જ સોમનાથ ટ્રસ્ટ અને પાલિકા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જોકે, સોમનાથ ટ્રસ્ટને સમગ્ર જગ્યા મળી જાય તે માટે પ્લોટને ટીપીમાંથી મુક્ત કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
અત્રે મહત્વનું છે કે, આ સમગ્ર વિવાદ જ્યારે હાઇકોર્ટમાં છે, ત્યારે હાઇકોર્ટે આપેલો સ્ટે હજી પણ યથાવત છે. આ અંગે આગામી 17મી ઓગષ્ટે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. હાલ સુધીમાં આ જમીન વિવાદને લઈને 3 વખત તારીખ પડી છે. મહત્વનું છે કે, જમીન વિવાદના કારણે પાલિકાને શ્રાવણ માસના મેળામાં આ જમીનના હરાજી ટેન્ડરમાં બોલાયેલ મળવાપાત્ર રૂ. 31 લાખ જેટલી મોટી રકમ ગુમાવવી પડી છે, ત્યારે હવે આ વિવાદને લઈને તમામ લોકોની નજર હાઇકોર્ટની સુનાવણી ઉપર ટકી છે.