નવસારી : 7 મહિના અગાઉ ગુમ થયેલા ચીખલી-દેગામના યુવાનનું હાડપીંજર મળી આવ્યું, પોલીસ તપાસ શરૂ...

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામનો 28 વર્ષીય યુવાન 7 મહિના અગાઉ કોઈને કહ્યા વિના ચાલ્યો ગયો હતો.

New Update
નવસારી : 7 મહિના અગાઉ ગુમ થયેલા ચીખલી-દેગામના યુવાનનું હાડપીંજર મળી આવ્યું, પોલીસ તપાસ શરૂ...

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામનો 28 વર્ષીય યુવાન 7 મહિના અગાઉ કોઈને કહ્યા વિના ચાલ્યો ગયો હતો. જોકે, સુંઠવાડ ગામે શેરડીના ખેતરમાં કાપણી વેળા મળેલા હાડપીંજર નજીકથી મોબાઈલ અને કપડા જોતાં દેગામના ગુમ યુવાન તરીકે તેની ઓળખ થતાં ચીખલી પોલીસે તપાસને વેગ આપ્યો છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામે રહેતો 28 વર્ષીય મિતેશ પટેલ ક્વોરીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. જેના થોડા મહિના અગાઉ જ લગ્ન થયા હતા. પરંતુ અચાનક 7 મહિના પહેલા મિતેશની પત્ની તેના પિયર ગઈ હતી, એ દરમિયાન એક દિવસ રાત્રીએ પરિવાર સાથે ભોજન કર્યા બાદ મોડી રાતે મિતેશ કોઈને કંઈ પણ કહ્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. સવારે ઉઠીને જ્યારે પિતા મહેશભાઈ તેમજ અન્યોએ મિતેશને ન જોતા તેની શોધખોળ આરંભી હતી. પરંતુ મિતેશનો ક્યાય પત્તો લાગ્યો ન હતો. ઘરેથી ગયા બાદ મિતેશ ક્યારેય ઘરે કે, ગામમાં પરત ફર્યો ન હતો. પરંતુ ઘણા લોકોએ તેને આજુબાજુના ગામડાઓમાં ખેતરોની આસપાસ ફરતો જોયો હોવાની ચર્ચા હતી. આ દરમિયાન ગતરોજ નજીકના જ સુંઠવાડ ગામના શેરડીના ખેતરમાં કાપણી કરી રહેલા મજૂરોને ખેતરમાં હાડપિંજર જણાતા તેમણે ખેડૂતને જાણ કરી હતી. ખેતરમાંથી હાડપિંજર મળ્યાની જાણ ગામ આગેવાનો અને આસપાસના ગામોના સરપંચો તથા ચીખલી પોલીસને થઇ હતી. સાથે જ મિતેશના પિતાને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. હાડપિંજર પાસેથી કપડા, મોબાઈલ અને તમાકુ-ચુનાની ડબ્બી પણ મળી આવી હતી. જેને જોઇને મહેશભાઈ ભાંગી પડ્યા હતા. કારણ કે, જુવાનજોધ અને ઘડપણનો સહારો એવો એકના એક દીકરાના જ કપડા હતા. હાડપિંજર પાસેથી મળેલી તમામ વસ્તુઓ મિતેશની જ હોવાની ઓળખ થતાં ચીખલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. સાથે જ હાડપિંજરને સુરત FSL ખાતે મોકલી DNA ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ, જુવાન પુત્રને ખોવાથી મહેશભાઈ ભાંગી પડ્યા છે, મિતેશની પત્ની પતિને ખોવાના ગામમાં સુધબુધ ખોઈ બેઠી છે, ત્યારે મિતેશના મોત અંગેની સાચી હકીકત પોલીસ શોધી કાઢે તેવી આશા મૃતકનો પરિવાર સેવી રહ્યો છે.

Latest Stories