કોરોના મહામારીના કારણે અનેક ધાર્મિક પ્રસંગો ઉપર પ્રતિબંધ લાગી ગયો છે, ત્યારે નવસારી જિલ્લામાં 110 વર્ષ જુની પારસીઓની પરંપરા ઘી-ખીચડી ઇતિહાસમાં બીજી વખત બંધ રહેતા પારસી સમાજમાં દુઃખ જોવા મળી રહ્યું છે.
ઈરાનથી ભારતમાં આવીને વસેલા પ્રકૃતિ પ્રેમી પારસી સમાજ આજે પણ પોતાના વારસાને સાચવી રહ્યા છે. હાલ પારસીઓના બમન માસની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આ મહિનામાં પારસી સમાજ દ્વારા વરુણ દેવતાને રીઝવવા માટે ઘી-ખીચડીનો તહેવાર ઉજવવામાં છે. એક દંત કથા અનુસાર, ઇ.સ. 1801માં દુકાળ પડ્યો હતો અને નવસારીના પારસી સમુદાય દ્વારા વરુણ દેવને રીઝવવા માટે ઘરે ઘરે જઈ દાળ ચોખા અને ધીનું ઉઘરાણું કરી શ્વાનને ખવડાવતા વરસાદ આવ્યો હતો, ત્યારે એ જ દિવસથી માત્ર નવસારીમાં પારસી સમાજ દ્વારા ઘી-ખીચડીનો તહેવાર ઉજવાય છે. પરંતુ આ વર્ષે પણ કોરોના મહામારીના લીધે પારસી સમાજની આ 110 વર્ષ જુની પરંપરા બીજી વખત તૂટી છે. કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે, ત્યારે આ વર્ષે પારસી સમાજ દ્વારા ઘી-ખીચડીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. જેને પગલે પારસી સમાજ નિરાશ થયો છે. જોકે, કોરોનાની ભયંકર આફત સમગ્ર વિશ્વમાંથી ટળે તે માટે પારસી સમાજ દ્વારા ઇષ્ટદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.