ભાવનગર જિલ્લામાં મોપેડ લઈને માતા પોતાના પુત્ર-પુત્રીને શાળાએ મુકવા જતાં ગોઝારી ઘટના સર્જાય છે. પાલિતાણા કોઝ-વે પરથી પસાર થતી વેળા મોપેડ પાણીમાં ગરકાવ થયું હતું. જેમાં પુત્ર અને પુત્રી પાણીમાં તણાઇ જતાં બન્નેનું મોત નીપજ્યું છે, જ્યારે માતાનો બચાવ થયો હતો.
પાલિતાણામાં માતા પોતાના પુત્ર-પુત્રીને મોપેડ પર શાળાએ મુકવા જઈ રહી હતી. તે દરમ્યાન પરિવાર રાજસ્થળી રોડ નજીક આવેલ પાલિતાણા કોઝ-વે પરથી પસાર થતું હતું, ત્યારે અચાનક માતા, પુત્રી અને પુત્ર ત્રણેય પાણીના વહેણમાં ગરકાવ થયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ત્રણેયની બચાવ કામગીરી હાથ ધરી હતી, ત્યારે સમગ્ર ઘટનામાં સદનસીબે માતાનો આબાદ બચાવ થયો હતો.
જોકે, ભાઈ-બહેનની જોડી પાણીના વહેણમાં ગુમ થતાં ફાયર ફાઇટરોએ બન્નેની શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ જાનકી જેઠવા અને વિરાટ જેઠવા નામના બન્ને ભાઈ-બહેનની જોડીના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, જેઠવા પરિવારમાં 4 બહેનો વચ્ચે સૌથી નાનો માત્ર એક જ ભાઈ હતો. જે આ ઘટનામાં મૃત્યુ પામતા પરિવારમાં ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી હતી.