Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : પાવાગઢમાં ખોદકામ દરમ્યાન 16મી સદીના બારુદ-તોપગોળા અને બંદૂક મળી આવી

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે ખોદકામ દરમ્યાન 16મી સદીમાં યુધ્ધ માટે તૈયાર કરાયેલા બારુદ ભરેલા તોપગોળાઓ અને સીંગલ બેરલ જેવી બંદૂકના અવશેષો મળી આવતા ચકચાર મચી છે

X

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે ખોદકામ દરમ્યાન 16મી સદીમાં યુધ્ધ માટે તૈયાર કરાયેલા બારુદ ભરેલા તોપગોળાઓ અને સીંગલ બેરલ જેવી બંદૂકના અવશેષો મળી આવતા ચકચાર મચી છે, ત્યારે હાલ તો પુરાતત્વ વિભાગે ખોદકામ બંધ કરાવી ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે.

ઐતિહાસિક વિરાસતનો અમૂલ્ય ભંડાર કહેવાતા સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢના માંચી ખાતે શ્રધ્ધાળુઓ માટે "ચાંચર ચોક" બનાવવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ખોદકામ દરમ્યાન 16મી સદીમાં ચાંપાનેરના યુધ્ધ જંગમાં ઉપયોગમાં લેવામાં આવેલ બારુદ સાથેના તોપના ગોળા અને જામગીરી આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ટ્રીગર સાથેની સીંગલ બેરલ બનાવટની બંદુકોનો ખજાનો બહાર આવતા સૌકોઈ આશ્ચર્યચકિત થયા હતા. એટલા માટે કે, જે પ્રમાણે યુધ્ધ સામગ્રીમાં ઉપયોગમાં લેવામાં આવતા પુરાતત્વના અવશેષોનો જંગી જથ્થો ખોદકામ દરમ્યાન બહાર આવતા એ જમાનામાં માંચી ડુંગર ખાતે શસ્ત્રાગાર હોવાની શક્યતાઓ આ દ્રશ્યો જોયા બાદ ચર્ચાઓમાં વ્યક્ત થઈ રહી છે. જોકે, પુરાતત્વ અવશેષોનો અમૂલ્ય ભંડાર ખોદકામ દરમ્યાન બહાર આવ્યો હોવાની ખબરો સાથે જ માંચી ખાતે દોડી ગયેલા પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા ખોદકામ બંધ કરવાના આદેશો આપી ઉચ્ચ સત્તાધીશોને તાત્કાલીક અસરથી જાણ કરવામાં આવી હતી. જોકે, પાવાગઢના ડુંગર ઉપર ઐતિહાસિક અને વ્યૂહ રચનાઓના ભાગરૂપે તોપોના પુરાતત્વ દ્રશ્યો આજેપણ મોજુદ છે, ત્યારે પાવાગઢના માંચીના પેટાળમાંથી બહાર આવેલા શસ્ત્રગાર પુરાતત્વ વિભાગ માટે સંશોધનનો વિષય તો બનશે જ સાથોસાથ રસપ્રદ ઈતિહાસ પણ બહાર આવશે તેવું માનવમાં આવી રહ્યું છે.

Next Story