પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતના ભુતપૂર્વ તલાટી કમ મંત્રીએ લગ્નોની અધુરા દસ્તાવેજોના આધારે નોંધણી કરી દેતા તાલુકા વિકાસ અધિકારીએ બરતરફ કરી દેતા ચકચાર મચી જવા પામી છે.
માતા-પિતા અને સમાજની પરવાહ કર્યા વગર કેટલાક સંતાનો ઘરેથી ભાગી જવાના કિસ્સા સાંભળવા મળે છે. જોકે, ભાગી ગયા બાદ આ સંતાનોને સમાજમાં પતિ-પત્ની તરીકે સ્થાપિત થવા માટે લગ્ન નોંધણી કર્યા બાદ તેમને લગ્ન સર્ટીફિકેટ મેળવવું પડે છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્વાલા ગામના ભુતપૂર્વ તલાટી કમ મંત્રી પી.એમ.પરમાર અધુરા દસ્તાવેજોના આધારે લગ્નોની નોંધણી કરી દેતાં હોવાની વિગતો સામે આવી હતી.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતના ભુતપૂર્વ તલાટી કમ મંત્રીની કરતૂત સામે આવી છે. ભદ્રાલા ગ્રામ પંચાયતના ભુતપૂર્વ તલાટી કમ મંત્રીએ અધુરા દસ્તાવેજોના આધારે લગ્નોની નોંધણી કરતા તાલુકા વિકાસ અધિકારીએ બરતરફ કર્યા છે. એક મહિનામાં એકસાથે મોટી સંખ્યામાં લગ્નની નોંધણી થતા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા તલાટી કમ મંત્રી પી.એમ.પરમારને નોટિસ ફટકારવામાં આવી હતી. છતાય લગ્નની નોંધણીનું કાર્ય ચાલુ રાખતા આખરે તલાટી કમ મંત્રીને બરતરફ કરાયા હતા. લગ્ન નોંધણીના રેકર્ડ તપાસમાં મોટાભાગના ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા બહારના રાજ્યોના યુગલોના લગ્નોની નોંધણી થઈ હોવાની વિગતો મળી આવી હતી.
જોકે, એક મહિનામાં 100 લગ્નોની નોંધણી થતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રીને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં નોંધણીઓ બોગસ હોવાની વિગતો સામે આવી હતી. આખરે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રી પી.એમ.પરમારને બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. લગ્નની નોંધણીના ડોક્યુમેન્ટની તપાસ કરતા ગુજરાત સહિત અન્ય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશના રાજ્યોના છે. આ મામલે રેકર્ડ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તો બીજી તરફ, તલાટી સામે બરતરફની કાર્યવાહીના પગલે શહેરા તાલુકા તલાટી આલમમાં પણ ચકચાર મચી જવા પામી છે.