લગ્નની નોંધણીના કૌભાંડનો પર્દાફાશ
ગામની વસ્તી કરતા વધુ લગ્નની નોંધણી કરાઈ
રૂપિયાની લાલચમાં તલાટીએ લગ્નોની નોંધણી કરી
ઘોઘંબા તાલુકામાં લગ્ન નોંધણી કરવાનો રાફડો ફાટ્યો
સમગ્ર કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો
પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણી કૌભાંડનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે, જેને કારણે વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે. આ કૌભાંડમાં કેટલાક ગામોની વસ્તી કરતા પણ વધારે લગ્ન નોંધણી થઈ હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણી કૌભાંડનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે.આ કૌભાંડમાં ઘોઘંબા તાલુકો 'એપી સેન્ટર' બન્યો છે. ઇન્ચાર્જ ડેપ્યુટી ડીડીઓ પાર્થ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, તલાટી દ્વારા તમામ નિયમોને નેવે મૂકીને મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરવામાં આવી છે. હાલમાં પી.એમ. પરમાર અને પ્રવીણ પટેલની ફરજવાળી પંચાયતોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
વર્ષ 2024માં પણ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. તે સમયે શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતમાં 571, કાલોલ તાલુકાના મલાવ ગ્રામ પંચાયતમાં 1502, અને ઘોઘંબા તાલુકાના કણબી ગ્રામ પંચાયતમાં 62 લગ્ન નોંધણી કરી લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ચોંકાવનારા ખુલાસા બાદ તત્કાલીન જવાબદાર તલાટી પી.એમ. પરમારને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રકારની ગેરરીતિથી કાયદાનો ભંગ થવાની સાથે જનતા સાથે છેતરપિંડી થઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે. એક જ પંચાયતમાં વસ્તી કરતાં વધુ લગ્ન નોંધણી થવી એ સરકારના નિયમોનું સીધું ઉલ્લંઘન છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ તમામ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. હાલ, પંચમહાલનું વહીવટી તંત્ર આ કૌભાંડની જડ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહ્યું છે.