પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે વઢીયાર ગોડાઉન અને સથવારા વાસની સ્થાનિક મહિલાઓએ ગટરની સાફ-સફાઈને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકાના વહીવટદાર તરીકે હાલ રાધનપુર મામલતદાર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર હોય, ત્યારે રાધનપુરના નગરજનો સાફ-સફાઈ ન થતી હોવાથી હાલાકી ભોગવી રહ્યા છે.
તેવામાં વઢીયાર ગોડાઉન અને સથવારા વાસની સ્થાનિક મહિલાઓએ ગટરની સાફ-સફાઈને લઈને પાલિકા કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. મહિલાઓએ પાલિકા ચીફ ઓફિસરની કેબિનમાં રહેલા ટેબલ પર કચરો અને ગંદકી ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમ્યાન પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા સોની, રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ જોશી સહિત મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહી હતી.