વાપીના ભડકમોરા ગામ નજીકની ઘટનાથી લોકોમાં કુતૂહલ
નશેબાજ યુવકના હાઇ વોલ્ટેજ ડ્રામાથી લોકો પરેશાન થયા
આવતા જતાં વાહનોને નશેબાજે બાનમાં લેતા ટ્રાફિકજામ
રોષે ભરાયેલા લોકોએ દારૂડિયા યુવકને મેથીપાક ચખાડ્યો
સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
વલસાડ જિલ્લાના વાપીથી સેલવાસ તરફ જતા માર્ગ પર ભડકમોરા ગામ નજીક દારૂના નશામાં ધૂત એક યુવકે ભારે ધમાલ મચાવી હતી. નશેબાજ યુવાનના હાઈ વોલ્ટેજ ડ્રામાથી લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. લગભગ 1 કલાક સુધી દારૂડિયા યુવાને વાહન ચાલકોને બાનમાં લેતા માર્ગ પર ટ્રાફિકજામ થયો હતો. યુવક નશામાં એટલો ચકચૂર હતો કે, તેને જાણે પોતાના જીવ જોખમમાં મુકતા પણ ડર લાગતો ન હતો. માર્ગ પર આવતા વાહનો સામે ઉભો રહી જઈ તેમજ વાહનો પર ચઢી જઈ વાહન ચાલકોને અટકાવી દેતો હતો. એટલું જ નહીં, સીટી બસ નીચે આડો પડીને બૂમાબૂમ કરતો હતો.
વધુમાં આવતી એક રિક્ષાને પકડી લેતા માર્ગ પર જોરદાર પટકાયો હતો. આ યુવક વાહન ચાલકોને રોકાવી તેમની સાથે દાદાગીરી પણ કરતો હતો, ત્યારે રોષે ભરાયેલા લોકોએ દારૂડિયાને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. યુવકની સ્થિતિ જોઈને વાહનચાલકો પણ સમજી ન શકતા હતા કે, આ શું થઈ રહ્યું છે, ત્યારે હાલ તો સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે, સમગ્ર ઘટનામાં યુવક બેભાન થઈ જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.