ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિયા પતંગ-દોરી અને જરૂરી દરેક વસ્તુની ખરીદી કરી ચૂક્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી કેસમાં સુનાવણી વખતે કહ્યું કે રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરી જ નહીં પણ કાચવાળો પાઉડર ચઢાવીને વેચાતી દોરી ઉપર પણ પ્રતિબંધ જ છે.
જાણવા મળ્યા મુજબ કોટનની દોરીને કાચના પાઉડરથી તૈયાર કરેલી લુગદી દ્વારા રંગ ચઢાવવામાં આવે છે અને ધારદાર બનાવવામાં આવે છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં કહ્યું છે કે આ મામલે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ પોલીસ દ્વારા કાચ પાવડર દ્વારા રંગાયેલી દોરીના ઉત્પાદન, ખરીદ-વેચાણ તથા ઉપયોગ સામે પણ કડક કાર્યવાહી કરી શકે છે.
સરકારે સોગંદનામામાં જણાવ્યા મુજબ, ઉતરાયણના 2025ના તહેવારને લઇ ચાઇનીઝ, નાયલોન કે પ્લાસ્ટિક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગને લઇ ગૃહવિભાગ દ્વારા જરૂરી જાહેરનામું પણ 24 ડિસેમ્બરના 2024ના રોજ જારી કરી દેવાયું હતું અને તેના અનુસંધાનમાં રાજયના તમામ જિલ્લા-તાલુકા કક્ષાએ પોલીસ દ્વારા પણ જરૂરી પરિપત્ર જારી કરી તેની અમલવારી શરૂ કરી દેવાઇ છે.