રાજયમાં છેલ્લા ઘણા સમયથી જેલમાંથી છુટીને બહાર આવતાં ગુનેગારોના સ્વાગત અને સરઘસ કાઢવાનો નવો ચિલો ચિતરાયો છે. ગુનેગારોની આવી પ્રવૃતિને કડક હાથે ડામી દેવા રાજયના ગૃહપ્રધાને પોલીસ અધિકારીઓને સુચના આપી છે.
વડોદરા અને સુરતમાં જેલમાંથી છુટયા બાદ ગુનેગારો અને તેમના સમર્થકોએ સરઘસ કાઢયું હોય તેવા વિડીયો વાયરલ થયાં હતાં. સુરતના પાંડેસરા ખાતે નવા પોલીસ સ્ટેશનના લોકાર્પણ માટે આવેલાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુનેગારો જેલમાંથી છૂટ્યા બાદ રેલી અને સરઘસ કાઢે છે અને તેઓ પોતે જ વીડિયો વાયરલ કરાવીને સમાજમાં નામના મેળવવાની પ્રવૃતિ કરતાં હોય છે.
આવી પ્રવૃતિ ધ્યાને આવતાં જ જે -તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે છે અને આગામી સમયમાં પણ સખત કાર્યવાહી કરાશે. ગુનેગારો ફરી આવું કરવાની હિંમત ફરી ન કરે તે માટે પણ સખત કાર્યવાહી માટે પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવી છે. રાજયના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા રવિવારે સુરતની મુલાકાતે હતાં. તેમણે પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તરફથી 80 લાખ રૂપિયાના ખર્ચથી બનેલાં નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે પોલીસ સક્રિયતાથી કામગીરી કરી રહી છે. રાજયમાં આગામી દિવસોમાં તહેવારોની ઉજવણીના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેવામાં આવશે.