રાજયવાસીઓને ચાતક નજરે રાહ જોવડાવ્યાં બાદ જન્માષ્ટમીની રાત્રિથી વરસાદનું આગમન થયું છે. ખેતરોમાં તૈયાર થયેલા પાકને સિંચાઇના પાણીની તાતી જરૂરીયાત હતી તેવા સમયે જ વરસાદના આગમનથી ખેડુતોના જીવમાં જીવ આવ્યો છે. બીજી તરફ જળાશયોના જળસ્તર નીચા ચાલ્યાં ગયાં છે ત્યારે નવા નીર આવવા લાગતાં પીવાના પાણીની તંગી પણ દુર થશે.
ગુજરાતમાં જન્માષ્ટમીના દિવસથી વર્ષારાણીએ વ્હાલ વરસાવવાની શરૂઆત કરી દેતાં ફરીથી ખુશહાલીનો માહોલ જોવા મળી રહયો છે. રાજયના 155 તાલુકા વરસાદના પાણીથી તરબતળ બની ચુકયાં છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયાં છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં 16 કલાકમાં 12 ઇંચ અને વાપીમાં 6 ઇંચ આકાશી જળ વરસી ચુકયું છે. બનાસકાંઠામાં 3 ઇંચ વરસાદ થતાં યાત્રાધામ અંબાજીમાં રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં છે. અંબાજીમાં પુર આવ્યું હોય તેમ વરસાદી પાણીમાં વાહનો પણ ખેંચાતા જોવા મળ્યાં હતાં.
ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો 27 દિવસ બાદ વરસાદ વરસ્યો હતો. અહીં વરસાદને કારણે 3 લોકોના મોત થયાની ઘટના સામે આવી હતી જેમાં વિસનગરના ગણપતપુરા ગામમાં બે વ્યક્તિના મોત થયા છે.સાબરકાંઠા જિલ્લાના પોશીના અઢી ઇંચ,તલોદ અને પ્રાંતિજમાં 2 ઇંચ વિસનગરમાં દોઢ ઇંચ જ્યારે ઇડર અને વડાલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો કુંકાવાવમાં બે ઈંચ, અમરેલીમાં એક ઈંચ વાડિયા,બગસરા,રાજુલા,ચલાલામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છમાં ઓગસ્ટના અંતમાં રાપર,માંડવી,મુન્દ્રા,અંજાર,અબડાસા, નખત્રાણામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા.તો વેરાવળ અને તેની આસપાસ પણ ભારે વરસાદ નોધાયો છે. રાજ્યમાં હજુ પણ 49 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.ઘણા લાંબા સમયથી વરસાદ ન થતા ચોમાસુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી. મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કરતાં ખેડુતો તથા લોકોમાં નવી આશાનો સંચાર થયો છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં બારે મેઘ ખાંગા થયાં છે તો ભરૂચ, સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહયો છે. ભરૂચ અને અંકલેશ્વરમાં પણ બે દિવસથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદનું આવાગમન જારી રહયું છે. છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસતો ન હોવાથી ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં. વરસાદના આગમનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને હાશકારો થયો છે.