સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે હોન્ડાના શો-રૂમ આગળ જ મોપેડ માલિકે પોતાનું એક્ટીવા સ્કૂટર સળગાવી દીધું હતું. વારંવારની રજૂઆત બાદ પણ મોપેડમાં સમસ્યાનું સમાધાન ન આવતા પોતે જ નિર્ણાયક પગલું ભર્યું હતું.
પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ હોન્ડાના શો-રૂમ આગળ જ મોપેડ માલિક વિજય ભોઇએ પોતાનું એક્ટીવા સ્કૂટર પેટ્રોલ છાંટી સળગાવી દીધું હતું. વિજય ભોઇ 3 મહિના પહેલા હોન્ડાના શો-રૂમમાંથી નવી એક્ટીવા છોડાવી હતી. જોકે, નવી જ એક્ટીવામાં કમ્પલેન આવતા તેઓ અવારનવાર શો-રૂમ પર જતા હતા. પરંતુ શો-રૂમ માલિક દ્વારા ગ્રાહકની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા સ્કૂટર માલિક વિજય ભોઇ કંટાળી ગયા હતા. જેથી તેઓ ગુસ્સામાં આવી હોન્ડાના શો-રૂમ આગળ પોતાના મોપેડ પર પેટ્રોલ છાંટી આગ ચાંપી હતી.
એક્ટીવા સળગતા જ માર્ગ પર અવરજવર કરતા લોકો દોડી આવ્યા હતા. જોતજોતામાં સ્કૂટર બળીને ખાખ થઈ ગયું હતું. બનાવની જાણ થતાં જ પ્રાંતિજ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે મોપેડમાં લાગેલ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.