Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ઇડરનું પ્રખ્યાત રમકડાં બજાર "નામશેષ" થવાના આરે, લાકડાના રમકડાં બનાવનાર થયા બેરોજગાર...

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરની શાન ગણાતો ઐતિહાસિક ઇડરિયો ગઢ અને લાકડાના રમકડાં માટે પ્રખ્યાત ખરાદી બજાર નામશેષ થવાના આરે છે.

X

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરની શાન ગણાતો ઐતિહાસિક ઇડરિયો ગઢ અને લાકડાના રમકડાં માટે પ્રખ્યાત ખરાદી બજાર નામશેષ થવાના આરે છે. આજના આધુનિક જમાનામાં ચાઇના બજારે ભારતના લાખો-કરોડો કારીગરોની રોજી છીનવી છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં આવતા પ્રવાસીઓ ઈડરના રમકડાં બજારની અચૂક મુલાકાત લેતા હતા. પરંતુ હાલ આ બજાર નામ માત્રનું જ બચ્યું છે. આધુનિક ટેકનોલોજીના જમાનામાં ચાઇના બજારે ભારતના લાખો કરોડો કારીગરોની રોજી છીનવી છે. છેલ્લા ૧૦૦ વર્ષથી લાકડામાથી રમકડાં બનાવતા કારીગરોની સ્થિતિ હાલ દયનીય બની છે. લાકડામાથી રમકડાં બનાવવાનો ઉધોગ નામશેષ થવાના આરે છે. જંગલી લાકડામાંથી રમકડાં બનાવી રોજગારી મેળવી ગુજરાન ચલાવનાર પરિવારોની હાલત કફોડી બની છે. બજારમાં પ્લાસ્ટિકના સસ્તા ઇલેક્ટ્રોનિક રમકડાના વેચાણના લીધે લાકડાના રમકડાં બનાવતા કારીગરો બેરોજગાર થઈ રહ્યા છે.

જોકે, પહેલા ખરાદી બજારમાં લાકડાંના રમકડાં બનાવવા માટે સરકાર દ્વારા લાકડુ આપવામાં આવતુ હતું. જેથી લાકડાંના રમકડાં બનાવવાની કારીગરીમાં કોઈ તકલીફ પડતી ન હતી. પહેલા જંગલના લાકડા મળતા જેના લીધે ૫૦૦થી વધુ કારીગરો કામ કરતા હતા. પરંતુ હાલના સમયમાં સરકાર દ્વારા કેવડાના પાન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, અને તેનો ઈજારો પણ આપવામાં આવતો નથી. જેના લીધે ગરીબ કારીગરોને ભારે હલાકી ભોગવવી પડે છે.

હાલના સમયમા ચાઇનાના કેમિકલવાળા સસ્તા પ્લાસ્ટિકના રમકડાંને લીધે નાના બાળકો રોગનો ભોગ બને છે. સરકાર તેવા રમકડાંને પરવાનગી આપે છે. પરંતુ દેશી રમકડાં બનાવવાવાળાને કોઈપણ પ્રોત્સાહન કે, સહાય આપવામાં નથી આવતી. જો સરકાર તરફથી જંગલી લાકડા આપવામાં આવે તો ફરીથી ઇડરનું રમકડાં બજાર ઉભુ થઈ શકે તેમ છે. ખરાદી બજારના કારીગરો હાલ તો સરકાર તરફથી કોઈ સહાય કે, કોઈ પ્રોત્સાહન મળે તેવી આશા રાખી રહ્યા છે.

Next Story