/connect-gujarat/media/post_banners/f80d09417ccd3b31fbe84d475b14c3f4a583d7f87d7cc370a58f06376cbfb53f.webp)
છેલ્લા કેટલાક સમયથી પરંપરાગત ખેતી છોડી ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નવા રહેવાશના ખેડૂતે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી કરી એક નવો ચીલો ચિતર્યો છે. અન્ય ખેતીની સરખામણીએ મબલક આવક આપતી સ્ટ્રોબેરીની ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે.
સાબરકાંઠાના ઈડર તાલુકાના નવા રેવાસ ગામે ભરત પટેલ નામના ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી એક નવો ચીલો ચિતર્યો છે. જેમાં સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીને યોગ્ય વાતાવરણ સહિત માવજત કરાયાના પગલે એકરના પાંચમા ભાગમાં કરાયેલી પ્રયોગ સ્વરૂપ ખેતી સંપૂર્ણ સફળ બની રહી છે. સામાન્ય રીતે એક એકરમાં પરંપરાગત ખેતી કરાય તો વર્ષના અંતે એકાદ લાખ જેટલી આવક ખેડૂત મેળવી શકે છે. જોકે, ખેડૂત ભરત પટેલે સ્ટ્રોબેરીની ખેતી થકી અત્યારથી જ એક લાખથી વધુ આવક મેળવી ચૂક્યા છે. તેમ જ આગામી સમયમાં હજુ વધુ એક લાખથી વધારેની આવક મેળવી શકે તેટલો પાક તૈયાર થઈ ચૂક્યો છે.
જોકે, પરંપરાગત ખેતી કરતા સ્ટ્રોબેરીની બાગાયતી ખેતી આગામી સમયમાં સમગ્ર ખેડૂત જગત માટે આવકનો વધુ એક સ્ત્રોત બની રહે તેવી સંભાવનાઓ છે. તેમજ સ્ટ્રોબેરીની ખેતી માટે શરૂઆતના તબક્કે કરાયેલો ખર્ચ આગામી સમયમાં ફાયદારૂપ બની રહે છે તેવું ખેડૂતનું માનવું છે. આ મામલે અન્ય ખેડૂતોનું પણ માનવું છે કે, સ્ટ્રોબેરી જેવી ખેતી કરાય એના પગલે ભાવ સહિત તેનું માર્કેટ હવે સ્થાનિક કક્ષાએ મળી રહે છે. જેના પગલે સ્ટ્રોબેરીના વેચાણ માટે અન્ય કોઈ જગ્યાએ જવાની જરૂર રહેતી નથી, તેમ જ ઘર આંગણે જ વેપારી સહિત સ્થાનિકો સરળતાથી સ્ટ્રોબેરી તૈયાર કરી આવક મેળવી શકે છે.
સામાન્ય રીતે હાલના તબક્કે કોઈપણ ખેડૂત પરંપરાગત ખેતી કરે તો તેને વેચવા માટે માર્કેટયાર્ડ સહિત વેપારીઓ પાસે જવું પડતું હોય છે, ત્યારે બાગાયત ખેતી અંતર્ગત સ્ટ્રોબેરીની ખેતી કરનારા ભરત પટેલ પાસે સવારથી જ લોકો તાજી ફ્રેશ અને શહેરની કક્ષાએ સસ્તી સ્ટ્રોબેરી લેવા ઉમટી પડે છે. તેમજ લોકોને પણ સરળતાથી સ્ટ્રોબેરી મળતા તેઓ ખુશ જણાઈ રહ્યા છે. સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારમાં સ્ટ્રોબેરી સરળતાથી મળતી હોય, તો અન્ય વેપારી સુધી જવાની જરૂર પડતી નથી તેમ જ લોકો પણ પોતાના બાળકો માટે સ્ટ્રોબેરી ખરીદતા થયા છે. જે આગામી સમયમાં સ્ટ્રોબેરી પકવનારા ખેડૂતો માટે આશીર્વાદ સ્વરૂપ બને તો નવાઈ નહીં.