ચોમાસાની સીઝન શરૂ થતા જ ગુજરાતભરમાં ટામેટા અને આદુંના ભાવ આસમાને પહોચ્યા છે, ત્યારે શાકભાજીના હબ ગણાતા સાબરકાંઠા જીલ્લામાં પણ મોંઘા થયેલ શાકભાજીના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
સમગ્ર રાજ્ય સહીત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ મોંઘવારીએ માઝા મુકી છે. જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સહિત ખાદ્ય વસ્તુઓના પણ ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે હવે શાકભાજીના ભાવ પણ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયા છે. જેને લઈ ગ્રાહકો પણ મુંઝવણમાં મુકાયા છે. તો બીજી તરફ, લાલ ટામેટાએ તો ગ્રુહિણીઓને રાતા પાણીએ રોવડાવી છે. ટામેટાના વધતા ભાવે તો લોકોના મહિનાનું બજેટ પણ ખોરવી નાંખ્યું છે.
સાબરકાંઠામાં શાકભાજીના ભાવની વાત કરીએ તો, હોલસેલ ભાવ કંકોડા ૨૦૦થી ૨૨૦, આદુ ૨૦૦થી ૨૨૦, ટામેટા ૧૨૦થી ૧૬૦, ગવાર ૭૦થી ૮૦, ચોળી ૫૦થી ૬૦, કારેલા ૪૫થી ૫૫, રીંગણ ૩૦થી ૪૦, ભીંડા ૩૦થી ૪૦ રૂપિયે કિલો થયો છે. આમ તો તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોચ્યા છે, ત્યારે હવે શાકભાજી પણ મોંઘી થતા લોકોનું બજેટ ખોરવાયુ છે, અને હજુ પણ એક માસ સુઘી ભાવ વધારો લોકોને સહન કરવો પડે તેમાં નવાઈ નહિ, ત્યારે હવે શાકભાજીના ભાવ ક્યારે ઓછા થશે, તેની ગૃહિણીઓ આતુરતાથી રાહ જોઈ રહી છે.
જોકે, સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે, ત્યારે શાકભાજીમાં આતો માત્ર હોલસેલ ભાવ છે. પરંતુ છુટક માર્કેટમાં તો ૨૫ ટકા ભાવ વધારો જોવા મળ્યો છે. હોલસેલના વેપારીના જણાવ્યા પ્રમાણે, આ ઊંચા ભાવ હજી એક મહિનો જોવા મળશે. કારણ કે, ખેડુતોનો નવો માલ આવશે જે બાદ જ ભાવ નિયંત્રણમાં આવી શકે છે. જેમાં ખાસ કરીને કોબીજ, ફુલાવર, ગવાર, દુધી, ગલકા, કારેલા, ટામેટા સહિતની શાકભાજીનું વધુ ઉત્પાદન થતુ હોય છે. ચોમાસાના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. જે પહેલા સરેરાશ ૩૦થી ૬૦ સુધી મળતી હતી, તેના ભાવ હાલ ૮૦થી લઈ ૨૦૦ સુધી પહોંચી ગયા છે.
એક બાજુ ખેડુતોને સારા ભાવ મળે છે, તેની ખુશી છે. પરંતુ ઉત્પાદન ઓછું થતા તેમાં નુકસાન થઈ રહ્યુ છે. સમગ્ર રાજ્યમાં મેઘમહેર સર્જાતા શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. કારણ કે, મોટા ભાગના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તો શાકભાજી પાકને ભારે નુકસાન થતા ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. એટલે સરવાળે તો ખેડુતને જ નુકશાન થાય છે. તો બીજી તરફ, આમ લોકો પણ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે.