ભાવનગરના સંજય દેગામાએ KBCમાં જીત્યા 25 લાખ
સામાન્ય પરિવારના યુવાને આપ્યા કઠોર પ્રશ્નોના જવાબ
કેમિકલ ફેક્ટરીમાં જોબની સાથે KBCની કરી તૈયારી
માતાપિતાના સંઘર્ષમય જીવનથી સફળતાના મેળવ્યા આશીર્વાદ
સંજય દેગામા KBC માટેના ત્રણ અસફળ પ્રયત્નો બાદ મળી સફળતા
અડગ મનનો માનવી જ સફળતાના શિખરે પહોંચે છે.આ કહેવતને સાર્થક કરી બતાવી છે, ભાવનગરના સંજય દેગામાએ. કેમિકલ ફેક્ટરીમાં નોકરી કરતા સંજય દેગામા કૌન બનેગા કરોડપતિમાં પહોંચી રૂપિયા 25 લાખ જીતીને પોતાના પરિવાર માટે આર્થિક રીતે મજબૂત દોર બાંધી છે.આ સામાન્ય માણસ આજે સૌ માટે પ્રેરણાસ્ત્રોત બની ગયો છે.
ભાવનગરના કરચલીયા પરામાં રહેતા અને ભરૂચ જિલ્લાના જંબુસરના જમાઈ સંજય દેગામાએ પોતાના સંઘર્ષભર્યા જીવનમાંથી સમય કાઢીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો અને પહોંચ્યા કૌન બનેગા કરોડપતિના મંચ સુધી. અમિતાભ બચ્ચન સામે બેઠેલા સંજયે માત્ર આત્મવિશ્વાસ જ નહીં પરંતુ અઢળક જ્ઞાનનો પરિચય આપ્યો અને જીત્યા સીધા 25 લાખ રૂપિયા. ગરીબ વર્ગમાં જન્મેલા સંજયના પિતા છૂટક મજૂરીનું કામ કરે છે અને માતા માછલી વહેંચીને પરિવારને પાલન કરે છે.
બે રૂમના નાનકડા ઘરમાં સંજય ધર્મપત્ની અને માતા-પિતા સહિતના પરિવાર સાથે રહે છે. આ ઘર બનાવવા માટે 12 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. સંજયે જણાવ્યું કે તેમના પરિવારમાં માત્ર તેઓ જ ભણેલા છે, જ્યારે માતા-પિતા નિરક્ષર છે. સંજયે વર્ષ 2022માં KBCમાં જવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી. ત્યારબાદ 2023 માં પણ પ્રયાસ કર્યો છતાં અસફળ રહ્યા હતા.
2024માં ઓડિશન સુધી પહોંચ્યા હતા, પરંતુ હોટસીટ સુધી પહોંચી શક્યા નહોતા.છતાં હિંમત ન હારીને તેમણે ચોથીવાર મહેનત ચાલુ રાખી અને આખરે તેમની મહેનત રંગ લાવી હતી.અને માતાપિતાના સંઘર્ષમય જીવનથી મેળવેલા સંસ્કારરૂપી આશીર્વાદ અને તેઓની મહેનતે તેમને સફળતાના શિખરે પહોંચાડ્યા હતા.
સંજય નોકરીના 8 કલાક કામ કર્યા પછી ઘરે આવી જાતે જ પ્રશ્નોની તૈયારી કરતા હતા. અગાઉ વિસ્તારના જે યુવક KBCમાં પહોંચી ચૂક્યા હતા, તેમની મદદ પણ લીધી હતી. સાથે જ પરિવારના સભ્યોનો પણ તેમને પૂરતો સહકાર મળ્યો હતો. કૌન બનેગા કરોડપતિના તાજેતરના એપિસોડમાં સંજય દેગામાએ જોરદાર સ્પર્ધા બાદ હોટ સીટ પર સ્થાન મેળવ્યું અને 25 લાખ રૂપિયાનું ઇનામ જીત્યું હતું. આ સાથે તેમણે માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ ભાવનગરનું નામ પણ રોશન કર્યું છે.