વિવિધ રોગોના નિષ્ણાત પાસે 150 થી વધુ લાભાર્થીઓએ નિશુલ્ક આરોગ્ય તપાસ અને દવાઓનો લાભ મળ્યો
સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસેવાના કાર્યો અવિરત પણ કરવામાં આવે છે. આવનાર યાત્રીઓ અને સ્થાનિકોને સ્વાસ્થય સેવાઓનો નિશુલ્ક લાભ મળે તેના માટે ટ્રસ્ટ નિયમિત રૂપે આરોગ્ય કેમ્પ યોજે છે. તા.21 ના રોજ સોમનાથ ટ્રસ્ટ અને સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ અને રામ સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સોમનાથ ટ્રસ્ટના યાત્રી સુવિધા ભવન (TFC) ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
સવારે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ તેમજ કેમ્પમાં જોડાયેલી આરોગ્ય સંસ્થાઓના તબીબો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મેડિકલ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેનો કુલ 153 લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ આરોગ્ય કેમ્પમાં જનરલ ફિઝીશયન, હાડકાના સર્જન, આખ કાન નાકના રોગોના નિષ્ણાત, ડેન્ટિસ્ટ, સ્ત્રીરોગ નિષ્ણાત, બાળ રોગ નિષ્ણાત, સહિતના નિપુણ તબીબો દ્વારા લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. દર્દીઓને જરૂરિયાત અનુસાર નિશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી. જેમાં સ્થાનિક તેમજ બહારથી આવનાર શ્રદ્ધાળુઓએ પણ લાભ લીધો હતો.
આ કેમ્પમાં આવનાર લાભાર્થીઓને ભારત સરકારના ABHA કાર્ડ (Ayushman Bharat Health Account) બનાવી આપવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની પ્રોસેસ કરી આપવામાં આવી હતી. કેમ્પના અંતે લોકો માટે સેવા આપનાર તબીબોનું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રસાદ અને મહાદેવનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું.