ગુજરાતમાં નવી સરકાર બનતા જ મંત્રીઓને ખાતાની વહેંચણી થયા બાદ વિધાનસભા અધ્યક્ષને લઇને ઘણા નામ ચર્ચાઇ રહ્યા છે, ત્યારે વિધાનસભાના અધ્યક્ષને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
શાસક પક્ષ ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કર્યું હોવાની માહિતી મળી રહી છે. 15મી વિધાનસભામાં ચૂંટાયેલા નવી સરકારે હવે કામગીરી શરૂ કરી દીધી છે, ત્યારે હવે ભાજપ દ્વારા વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ બનાસકાંઠા જિલ્લાના થરાદ બેઠક પરથી ચૂંટાયા છે, જ્યારે 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડનું નામ નક્કી કરાયું છે. મંત્રી મંડળની રચના પહેલા શંકર ચૌધરીનું નામ મંત્રીઓની રેસમાં આગળ ચાલતું હતું. પરંતુ હવે ભાજપ નેતૃત્વએ શંકર ચૌધરીને સ્પીકર બનાવ્યા છે.