શંકરાચાર્યજીના હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ
વરવાળામાં 100 બેડની હોસ્પિટલનું નિર્માણ
એલોપેથિક સાથે આયુર્વેદિક ઉપચારની પણ સુવિધા
મોરારી બાપુએ 11 લાખનું અનુદાન જાહેર કર્યું
હોસ્પિટલના લાભાર્થે રામકથાની પણ જાહેરાત
દ્વારકાના વરવાળામાં 100 બેડની હોસ્પિટલનું શંકરાચાર્યજી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરારી બાપુએ આરોગ્ય ક્ષેત્ર માટે 11 લાખનું અનુદાન જાહેર કર્યું હતું,તેમજ હોસ્પિટલના લાભાર્થે દ્વારકામાં રામકથા યોજવાની પણ જાહેરાત કરી હતી.
દેવભૂમિ દ્વારકામાં શૈક્ષણિક ક્રાંતિ બાદ હવે આરોગ્ય ક્ષેત્રે જગતગુરુ શંકરાચાર્ય શારદાપીઠ દ્વારા એક ઐતિહાસિક સોપાન સર કરવામાં આવ્યું છે. દ્વારકા નજીક વરવાળા ખાતે નવનિર્મિત શ્રી શંકરાચાર્ય એલોપેથિક અને આયુર્વેદિક જનરલ હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી, પૂજ્ય મોરારી બાપુ તથા કેશવાનંદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આઝાદી પૂર્વે શારદાપીઠ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું, જે પરંપરાને આગળ ધપાવતા હવે જનતાની સુખાકારી માટે 100 બેડની અત્યાધુનિક હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. આ હોસ્પિટલની વિશેષતા એ છે કે અહીં દર્દીઓને એલોપેથિક સારવારની સાથે સાથે આયુર્વેદિક પદ્ધતિથી પણ ઉપચારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલ પ્રાથમિક સુવિધાઓ સાથે 100 બેડની એલોપેથિક હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અવસરે ઉપસ્થિત પ્રખ્યાત રામ કથાકાર પૂજ્ય મોરારી બાપુએ હોસ્પિટલના સેવાકાર્યને બિરદાવતા મોટી જાહેરાત કરી હતી. તેમણે હોસ્પિટલના લાભાર્થે 11 લાખ રૂપિયાનું અનુદાન જાહેર કર્યું હતું. આ સાથે જ તેમણે સંકલ્પ કર્યો હતો કે, આગામી 2 વર્ષમાં વરવાળા શંકરાચાર્ય સંચાલિત આરોગ્ય વિભાગના લાભાર્થે દ્વારકાની પવિત્ર ભૂમિ પર 'રામકથા'નું ગાન કરવામાં આવશે, જેથી હોસ્પિટલના સેવાકીય પ્રકલ્પોને વધુ વેગ મળી શકે.