ગીર સોમનાથના હડમતિયા ગીરમાં સરકારી જમીન પર વૈભવી રીસોર્ટ બાંધી દેનારા તબીબની પોલીસે ધરપકડ કરી છે. આરોપી તબીબ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના હડમતિયા ગીરમાં ડૉ. રસિક વઘાસીયાએ વન વિભાગની સરકારી જમીન પર આલિશાન સુવિધાઓ સાથેનું રિસોર્ટ બનાવી કોમર્શિયલ ઉપયોગ શરૂ કરતા તબીબ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠલ ગુનો નોંધવામા આવ્યો છે. સરકારી જમીન પર અથિઝ રીસોર્ટ બનાવી તબીબે તેનો વ્યવસાયિક ઉપયોગ શરૂ કરી દીધો હતો. વન વિભાગે છ વખત નોટીસ આપી હોવા છતાં તબીબે સરકારી જમીન પરના દબાણો દુર કર્યા ન હતાં.
વન વિભાગ તથા સરકારી વિભાગોના સર્વેમાં પણ રીસોર્ટ સરકારી જમીન પર બાંધી દેવાયો હોવાનું ફલિત થયું છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ડૉ. રસિક વઘાસીયા સામે લેન્ડ ગ્રેબિંગ એકટનો ગુનો દાખલ કરવા મંજુરી આપવામાં આવી હતી. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ પોલીસે આરોપી તબીબો ડૉ. વઘાસીયાની ધરપકડ કરી લીધી છે. આરોપીના રીમાન્ડ મેળવવા તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે.