Connect Gujarat
ગુજરાત

યુવા મતદારોને દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા ખાસ અનુરોધ

યુવા મતદારોને દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા ખાસ અનુરોધ
X

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ પૂર્વે ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ સંદર્ભે મતદારયાદીમાં નામ નોંધવાની ખાસ ઝુંબેશ તા.૨૭ ઓક્ટોબરથી તા.૯ ડિસેમ્બર ૨૦૨૩ સુધી હાથ ધરવામાં આવી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અશોક શર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર શ્રીની કચેરી ખાતે એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના તમામ મતદારોને અપીલ કરી છે કે, તા. ૯ ડિસેમ્બર(શનિવાર)ના રોજ જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે આખરી ખાસ ઝુંબેશ યોજાશે. જેમાં મતદારયાદીમાં નામ નોંધાવવા માટે લાયકાત ધરાવતા હોય તેવા તમામ વ્યક્તિઓ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા માટે પોતાના વિસ્તારના મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરી પોતાનું નામ ફોર્મ નં.૬ ભરી મતદાર યાદીમાં નોંધાવી શકશે.

આ કાર્યક્રમ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના બન્ને વિધાનસભા મતદાર વિભાગો જેમાં ૮૧-ખંભાળિયા અને ૮૨-દ્વારકા વિધાનસભા મતદાર વિભાગોના તમામ ૬૩૪ મતદાન મથકો પર ૯ મી ડીસેમ્બર(શનિવાર)ના રોજ બુથ લેવલ અધિકારીઓ દ્વારા સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી મતદાન મથકો ખાતે હાજર રહી મતદાર યાદી સુધારણા અંગેના ફોર્મસ સ્વીકારાશે.

ખાસ કરીને ૧૮-૧૯ વર્ષના અને ૨૦-૨૯ વર્ષના યુવા મતદારો પોતાના વિસ્તારના મતદાન બુથ પર જઈને બીએલઓ પાસે રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, જે લોકો અન્ય સ્થળે રહેતા હોય અને મતદાન બુથ પર જઈ શકતા ન હોય તો તેઓ ચૂંટણી પંચની “વોટર હેલ્પલાઈન એપ્લિકેશન” માં જઈને અથવા વેબસાઈટ https://voters.eci.gov.in/ માં જાતે રજિસ્ટ્રેશન કરી શકે છે, આ સિવાય કોઈ મતદારનું અવસાન થયું હોય કે કાયમી સ્થળાંતર થયા હોય તેવા વ્યક્તિઓના નામ ફોર્મ નં.૭ ભરી મતદારયાદીમાંથી કમી કરી શકાશે, તેમજ મતદારયાદીમાં નામ અને સરનામું, ફોટોગ્રાફ, જન્મતારીખ, મોબાઈલ નંબરમાં સુધારો તથા જુના ચૂંટણી કાર્ડના નાશ થવાના અથવા ખોવાઈ જવાના કિસ્સામાં નવું ચૂંટણી કાર્ડ મેળવવા માટે ફોર્મ નં.૮ ભરી તે પણ કરાવી શકે છે. સુદૃઢ મતદાર, સુદૃઢ લોકશાહી બનાવે છે. જેથી લોકશાહી સુદૃઢ બનાવવા માટે કિંમતી મત આપવા આપનું નામ મતદાર યાદીમાં હોવુ આવશ્યક છે.

Next Story