રો રો ફેરીમાંથી યુવકનો દરિયામાં મોતનો ભુસકો
ઘોઘાથી હજીરા આવી રહ્યું હતું જહાજ
રો-રો ફેરીના સ્ટાફ દ્વારા યુવકને બચાવવામાં આવ્યો
હજીરા પોલીસે યુવકનું કર્યું કાઉન્સેલિંગ
પોલીસે યુવક અંગે વધુ તપાસ શરૂ કરી
ભાવનગરના ઘોઘાથી સુરત હજીરા આવી રહેલા રો રો ફેરીના જહાજમાંથી એક યુવકે દરિયામાં મોતની છલાંગ લગાવી હતી, જોકે જહાજના સ્ટાફે તેને બચાવી લીધો હતો,હાલ પોલીસે યુવક દ્વારા આ પગલુ શા માટે ભરવામાં આવ્યું હતું તે અંગેની તપાસ શરુ કરી છે.
ભાવનગરના ઘોઘાથી સુરત હજીરા ખાતે દરિયાઈ માર્ગે આવી રહેલા જહાજમાંથી એક યુવકે અચાનક દરિયાના તોફાની પાણીમાં છલાંગ લગાવી હતી,જે ઘટનાના પગલે જહાજમાં સવાર મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જો કે ઘટનાની જાણ થતાની સાથે જ જહાજના સ્ટાફે દરિયાના પાણીમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા યુવકને બચાવવા માટે દિલધડક પ્રયાસ કર્યો હતો.અને આખરે તેમાં તેઓ સફળ રહ્યા હતા.
અને યુવકને દરિયાના પાણીમાંથી બચાવીને રો રો ફેરીના જહાજમાં પરત લાવ્યા હતા,તેમજ 25 વર્ષીય યુવકનું કાઉન્સેલિંગ કરીને હજીરા પોલીસને સોંપવામાં આવ્યો હતો,પોલીસ દ્વારા યુવકે કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગેની તપાસ શરૂ કરી છે.