સુરત શહેર માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેકટ ગણાતા ડ્રીમ સિટીમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સનું રવિવારે વડાપ્રધાનના હસ્તે લોકાપર્ણ થશે. ડ્રીમ સિટીમાં આ સાથે જ ડાયમંડ બુર્સની પાછળના વિસ્તારમાં વિશાળ ગાર્ડન ડેવલપ કરવામાં આવી રહ્યું છે. બુર્સના લોકાપર્ણની તારીખ નક્કી થતાંની સાથે જ ગાર્ડનની કામગીરીએ જોર પકડ્યું છે. હાલમાં ગાર્ડનનું કામ 90 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છેઅને ફિનિશિંગની કામગારી પ્રગતિ હેઠળ છે.
અંદાજિત 50 હજાર સ્કેવર મીટર એરિયામાં સાકાર કરવામાં આવેલા આ ગાર્ડન પાછળ રૂપિયા 12 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. વિશાળ ગાર્ડનમાં ચિલ્ડ્રન પ્લે એરિયા, બે વોક-વે, સીટિંગ એરિયા, પ્લાન્ટેશન તો છે જ પણ આ સાથે ગાર્ડનમાં ફૂડ પ્લાઝાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, જેમાં 8થી વધુ સ્ટોલ બનાવવામાં આવી રહ્યા છે. આ ગાર્ડન સામાન્ય નાગરિકો માટે બનાવવામાં આવ્યો છે. ડ્રીમ સિટીની મુલાકાતે આવનારા લોકો આ વિશાળકાય ગાર્ડનમાં હરી-ફરી શકશે. બુર્સની પાછળ જ આ ગાર્ડન સાકાર કરાયું હોવાથી યુવાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. ગાર્ડનની સામે જમણી તરફ જ ડાયમંડ બુર્સ હોવાથી સેલ્ફી લેવા માટે કે ફોટોશૂટ કરવા માટે પણ લોકો આ ગાર્ડનનો ઉપયોગ કરશે.