ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય
મેયર અને ધારાસભ્ય સહિતના આગેવાનોએ કરાવ્યુ પ્રસ્થાન
જય જગન્નાથના નાદ સાથે શહેરનું વાતાવરણ બન્યું ભક્તિમય
અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિક ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે, ત્યારે સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ રથયાત્રાનું સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારથી મેયર હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય પુર્ણેશ મોદી, વિનુ મોરડીયા સહિતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યુ હતું. ઢોલ-નગારાના તાલે વાજતે-ગાજતે આ રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. રથયાત્રાને ખેંચવા માટે હજારો ભક્તોની ભીડ જામી હતી. અંદાજે દોઢ કિલોમીટર જેટલી લાંબી રથયાત્રામાં પ્રભુજીની વિવિધ ઝોળીઓ, નાટ્ય મંડળીઓ તથા ભક્તોની મંડળીઓએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. મુખ્ય રથની આગળ તથા પાછળ આવી રહેલ અન્ય વાહનોમાં બુંદી, ખીર, ધાણા-વરિયાળી અને ફ્રૂટ સહિતનો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો.