સુરત હાથ ઉછીના નાણાં લેવડ દેવડનો વ્યવહાર હોય તો હિસાબી ચોપડા કે ઇન્કમ ટેક્સ પેપર્સ રજૂ કરવા જરૂરી નથી એવી ફરિયાદ પક્ષની દલીલ માન્ય રાખીને કોર્ટે જહાંગીરાબાદના જયેશ મર્ચન્ટને એક વર્ષની સજા ફટકારી છે. સાથે રૂ.૫,૨૦,૦૦૦-/ વળતર પેટે આરોપીએ ફરીયાદીને ચૂકવવા પણ કોર્ટે હુકમ કર્યો હતો.
આ કેસ ની વિગત એવી છે કે, ફરીયાદી કૃણાલ ફરસરામ પ્રજાપતિ (રહે.૨/૪૦૫૫, ઢબુવાલાની ગલી, નવસારી બજાર, સૂરત) એ આરોપી જયેશભાઇ ઈશ્વરભાઇ મર્ચન્ટ (રહે.૧૧૦૪, એલ - બિલ્ડિંગ, વૈષ્ણોદેવી સ્કાય, કેનાલ રોડ, વણકલા, જહાંગીરાબાદ, સૂરત) ને ગત તા. ૦૭/૦૬/૨૦૧૬ ના રોજ રૂ.૭,૬૦,૦૦૦-/હાથ ઉછીના આપ્યા હતા. જેની સામે આરોપીએ રૂ.૫,૨૦,૦૦૦-/ ના બે ચેકો આપ્યા હતા. જે ચેકો રિટર્ન થતાં ફરિયાદીએ અત્રેની કોર્ટમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ કેસ કર્યો હતો. જે કેસમા ફરિયાદી તરફે એડવોકેટ અશ્વિન જે. જોગડિયાએ દલીલ કરી હતી કે, ચેકમાં આરોપીની સહી છે અને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૨૦ મુજબ ચેકમાં માત્ર સહી કરીને ચુકવણી અર્થે આપેલ હોવું પૂરતું છે.
જ્યારે બચાવ પક્ષે એવી રજૂઆત કરી હતી કે ફરિયાદી આટલી મોટી રકમ ક્યાંથી લાવ્યા? તેનો કોઇ પુરાવો કોર્ટમાં રજૂ કર્યો નથી અને હિસાબી ચોપડા કે ઈનકમટેક્સ પેપર્સ પણ રજૂ કર્યા નથી. જેની સામે ફરિયાદી તરફે એડવોકેટ જોગડિયાએ વડી અદાલતનો કેસ ટાંકીને દલીલ કરી હતી કે, આ ધંધાકિય વ્યવહાર નહિ પરંતુ અંગત નાણાકીય વ્યવહાર છે. અને અંગત વ્યવહારમાં ઈન્કમ ટેક્સ પેપર્સ કે હિસાબી ચોપડા રજૂ કરવા જરૂરી નથી. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે ટાંક્યું હતુ કે, ફરીયાદીએ રજૂ કરેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લેતા આરોપીનો સહી કરેલો ચેક હોય તો તે ચેક આરોપીએ ફરિયાદીની કાયદેસરની લેણી રકમ અંશતઃ કે પુરેપુરી ચુકવણી માટે આપેલ હોવાનું અનુમાન કરવાનું હોય છે અને તે અનુમાન ખંડનિય છે. જેથી સદર ચેકો નાણાંની ચુકવણી માટે આરોપીએ આપેલ હોવાનું અનુમાન થાય અને આરોપીએ સદર ચેકો કાયદેસર ની લેણી રકમની ચુકવણી માટે ફરિયાદીને આપેલ નથી તેવું ખંડન કરતો પુરાવો પ્રીપોન્ડરન્સ ઓફ પ્રોબબિલિટીના સિદ્ધાંત મુજબ રજૂ કરવાનો રહે છે. હાલ ના કેસમાં રેકર્ડ પરના ચેકો આરોપીએ ફરિયાદીને લેણી રકમની ચુકવણી માટે આપેલ ન હોય તેવું ખંડન કરતો કોઇ પુરાવો રજૂ કરેલ નથી. જેથી આરોપીને તકસીરવાર ઠેરવી કોર્ટે ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૫.૨૦ લાખ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો અને જો રકમ ન ભરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો પણ કોર્ટે હુકમ કર્યો હતો.