આદિવાસી સમાજના વિરોધ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટને રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે.સુરત ખાતે સી.એમ.ભુપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકિય પક્ષો દ્વારા લોકોને આકર્ષવા માટે અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવતી તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટને રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આદિવાસી સમાજની લાગણીને માન આપી આ પ્રોજેક્ટ પડતો મુકાયો હોવાની પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના સર્કિટ હાઉસ ખાતે મળેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ કેન્દ્ર સરકારની યોજના હતી. રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવાની હોય છે.પરંતુ રાજ્ય સરકારે મંજૂરી આપી નહોતી. તેમ છતાં આદિવાસી સમાજમાં ગેરસમજ ઉભી કરવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતાં. જેથી કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની બેઠકમાં આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકારે મંજૂરી આપી નહોતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આદિવાસી માટે રાજ્યસરકાર દ્વારા ચાલતી યોજનાઓનો રેફરન્સ આપ્યો હતો. સાથે જ કહ્યું હતું કે, અમે અનેક યોજનાઓ આદિવાસીઓ માટે ચલાવી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા સર્વે કરીને તૈયાર કરાયો હતો.પરંતુ રાજ્ય સરકાર લોકોની સાથે હતી. લોકોમાં ગેરસમજ ઉભી થઈ હતી. જેથી મંજૂરી તો અપાઈ જ નહોતી. પરંતુ તેમ છતાં આદિવાસી સમાજની લાગણીને માન આપીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી યોજનાને રદ્દ કરવામાં આવે છે.