New Update
સુરતમાં ગે ડેટિંગ એપનો યુવકને થયો કડવો અનુભવ
રત્નકલાકાર ગે ડેટિંગ એપના ચક્કરમાં ફસાયો
એપ થકી મિત્ર બનેલા ભેજાબાજોએ કર્યો બ્લેકમેલ
નગ્ન વિડીયો બનાવી કરતા હતા બ્લેકમેલ
પોલીસે બે ભેજાબાજોની કરી ધરપકડ
સુરતમાં કામરેજ વિસ્તારમાં રહેતા રત્નકલાકાર ગ્રાઈન્ડર નીયરબાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ઉપર ચેટ કરી એક યુવાનને મળવા ગયા હતા.જ્યાં આરોપીઓએ રત્નકલાકારનો નગ્ન વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી 1 લાખ 80 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ ગુનામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી 80 હજાર રૂપિયા રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત જીલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા વિસ્તારમાં 35 વર્ષીય રત્નકલાકાર રહે છે. રત્નકલાકારે પાંચેક દિવસ અગાઉ પ્લે સ્ટોર માંથી ગ્રાઈન્ડર નીયરબાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લીકેશન ડાઉનલોડ કરી મિત્રો બનાવી ચેટીંગ શરુ કર્યું હતું. આ દરમિયાન 1 લી ઓગસ્ટના રોજ અજાણ્યાએ હાઈનો મેસેજ કરી ચેટ કર્યા બાદ વરાછા જગદીશ નગર સ્થિત જાનકી જવેલર્સ પાસે મળવા બોલાવ્યો હતો. જેથી રત્નકલાકાર ગયો હતો.જ્યાં અજાણ્યા વ્યક્તિને મળ્યો હતો. આ દરમિયાન અજાણ્યા ઈસમ જગદીશ નગરના એક મકાનમાં લઈ ગયો હતો. જ્યાં રત્નકલાકાર બેઠો કે તાત્કાલિક જ ત્રણ અજાણ્યા રૂમમાં ઘૂસી આવ્યા હતા અને અહીં કેમ આવ્યા છો? શું કરો છો એમ કહી રત્નકલાકારનો નગ્ન વિડીયો ઉતારી લીધો હતો. અને બાદમાં ધાક - ધમકી આપી પર્સ માંગ્યું હતું. રત્નકલાકારે પર્સ ન હોવાનું જણાવી મોબાઈલ ફોન લૂંટી લઇ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાસવર્ડ મેળવી લીધો હતો. બાદમાં ગ્રાઈન્ડર નીયરબાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લીકેશન ડીલીટ કરી ગુગલ પે નો પાસવર્ડ લઇ અલગ અલગ બેંક અકાઉન્ટમાં કુલ 1 લાખ 80 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.
આ સાથે કોઈને જાણ કરશે તો મારી નાખવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી.ઘટના અંગે રત્નકલાકારે તેના મિત્રને જાણ કરી હતી. અને જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા તે અંગે બેંકમાં તપાસ કરી હતી. આ દરમ્યાન 50 હજાર રૂપિયા ભરત જેઠા ગોહિલના ખાતામાં , 1 લાખ રૂપિયા મયુર બળદેવ પરમારના ખાતામાં અને 30 હજાર રોહિત નારણ વંશના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ રત્નકલાકારે વરાછા પોલીસ મથકમાં કરી હતી. જેથી વરાછા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી બે આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસે મયુર બળદેવ પરમાર અને રોહિત નારણ વંશની ધરપકડ કરી છે. અને 80 હજાર રૂપિયા રિકવર કર્યા છે. હાલ પોલીસે અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.