/connect-gujarat/media/post_banners/2ba318b09193befc214664a81294e61da753d0abc6fa510b75a21daad3fe85c7.jpg)
કાપડનો વેપારી બન્યો ઓનલાઈન હનીટ્રેપનો શિકાર
વિડીયો કોલના બીભત્સ વિડીયોને વાઇરલની ધમકી
ફાયદો ઉઠાવી મિત્રએ રૂ. 17.62 લાખ પડાવી લીધા
સુરતમાં વેપારીને વિડીયો કોલ કરી તેનો બીભત્સ વિડીયો બનાવી તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 11 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. તેમજ આ બનાવ અંગે મિત્રને જાણ કરતા મિત્રએ પોતે હાલમાં પોલીસમાં ભરતી થયો હોવાનું જણાવી તેમજ દિલ્હી પોલીસ આવીને ઉચકી જશે તેવો ડર બતાવી 17.62 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે, સમગ્ર મામલો પોલીસ મથકે પહોચતા સાયબર ક્રાઈમ સેલે વેપારીના મિત્ર એવા કાપડ દલાલની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, સુરતમાં કાપડની દુકાન ધરાવતા વેપારીને તેના મોબાઈલ પર મેસેજ કરી પોતે અંજલિ શર્મા હોવાની ઓળખ આપવામાં આવી હતી, અને બાદમાં વેપારીને વિડીયો કોલ કરી બીભત્સ હરકતો કરી વેપારીનો અશ્લીલ વિડીયો રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો. આ વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી વેપારી પાસેથી કુલ 11 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વધુ 5 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જેથી વેપારીએ સમગ્ર હકીકત પોતાના મિત્ર મનોજ શર્માને જણાવી હતી. જે બાદ મનોજ શર્માએ પોતે તાજેતરમાં પોલીસમાં ભરતી થયો હોવાનું જણાવ્યું હતું, તેમજ નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન બ્યુરોના બનાવટી ડોક્યુમેન્ટ પણ વેપારીને બતાવ્યા હતા. જેમાં એપ્લીકેશન કરવાના ચાર્જ પેટે, વેપારીનો વિડીયો ફેસબુક કે સોશિયલ મીડિયામાં અપલોડ નહીં થવા દેવાનો ચાર્જ, તેમજ વેપારી વિરુદ્ધની એપ્લીકેશન ક્લોઝ કરવાનો ચાર્જ આ ઉપરાંત વેપારીની અરજી હાયર ઓથોરીટી પાસે પહોચી ગઈ છે, ગમે ત્યારે દિલ્હી પોલીસ આવીને ઉચકી જશે તેવી ધમકીઓ આપી ટુકડે ટુકડે 17.62 લાખ રૂપિયા પડાવી લીધા હતા, ત્યારે હાલ તો આ મામલે સાયબર ક્રાઈમે મિત્ર મનોજ શર્માની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.